જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામના યુવકે જેતપુરની યુવતી સાથે પ્રેમલગ્ન કરતા યુવતીના પરિવારજનોએ યુવકના પિતાનું અપહરણ કરી ઝેરી પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતાર્યાના આક્ષેપ સાથે મરણ જનારના ભાઈ એ છ જેટલા આરોપી વિરૂધ્ધ ગુનો નોંધવા શેઠ વડાળા પોલીસ મથકમાં અરજી કરી છે, ઉપરાંત ગૃહ મંત્રાલયમાં પણ અરજી પાઠવી આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામના લખમણ કાનજી સાંબલના પુત્ર શૈલષએ એકાદ માસ પહેલાં જેતપુરના અરજણ ભુરા ડાભીની પુત્રી સાથે પ્રેમલગ્ન કરી ભાગી છુટયા હતાં. જેથી યુવતીના પરિવારજનો અવાર-નવાર લખમણભાઈ તથા તેમના ભાઇ હીરાભાઈને ફોન કરી શ્રૃતિને ગોતી આપવાનું કહી જાનથી મારી નાખવાની અને પરિવારને સાફ કરી નાખવાની અવાર-નવાર ધમકી આપતા હતાં. દરમિયાન ગત તા.19 ના રોજ સવારે 11:45 કલાકે યુવતીના પરિવારવાળા ચનાભાઈ ડાભી, ખોળા ડાભી, નંદા ડાભી, યોગેશ ડાભી, ભીમા ડાભી તથા કાના ઓધડ વગેરે યુવકના પિતા લખમણભાઈના ઘરે આવી યુવક યુવતીને ગોતવા સાથે આવો તેમ કહી લખમણભાઈ સાંબલ પર દબાણ કરી સફેદ કલરની ગાડીમાં બેસાડી લઇ ગયા હતાં.
ત્યારબાદ લખમણભાઈ ઘરે આઠ વાગ્યા સુધી પરત નહીં ફરતા તેમના ભાઈએ ફોન કરતા માત્ર લખમણભાઈ નવાગઢ ચોકડીએ પહોંચ્યા છીએ એટલું બોલી શકેલા અને ફોન કપાઈ ગયો. ત્યારબાદ રાત્રિના લખમણભાઈના ભાઈનો 9:45 કલાકે જેતપુર થી ફોન આવેલો કે લખમણભાઈને સરકારી દવાખાને લઇ આવ્યા છીએ અને મજા નથી અને ફરી 10:30 વાગ્યે ફોન આવેલો કે લખમણભાઈ અવસાન થયેલ છે.
ઉપરાંત કલ્યાણપુર થી લખમણભાઈને લઇને આવેલ યુવતીના પરિવારજનો જતાં રહેલ છે. આ બનાવથી લખમણભાઈના કુટુંબિક ભાઈ લાખા જશવંત સાંબલ (ગામ કલ્યાણપુર તાલુકો જામજોધપુર) દ્વારા યુવતીના પરિવારજનો વિરૂધ્ધ ઝેરી પદાર્થ ખવડાવી મારી નાખ્યા હોવાની શંકા વ્યકત કરી છે અને યુવતીના પરિવારજનોના ચના મુળુ ડાભી, ખોળા ભુરા ડાભી, નંદા ગોવિંદ ડાભી, યોગેશ અરજણ ડાભી, ભીમા મુળુ ડાભી રહે. બધા વડવાળા નેશ નદીના સામા કાંઠે જેતપુર તથા કાના ઓધડભાઈ નાસંગ પુષ્કરધામ જામનગર સહિતના છ લોકો વિરૂધ્ધ અપહરણ કરી ઝેરી પદાર્થ ખવડાવી મારી નાખવા અંગે ફરિયાદ દાખલ કરવા જામજોધપુરના શેઠવડાળા પોલીસ સ્ટેશન તથા જેતપુર (જિલ્લો રાજકોટ) પોલીસ સ્ટેશને રૂબરૂ અરજી આપીને રાજ્યના ગૃહમંત્રી રાજકોટ ડીસીપીને પણ જાણ કરી હતી.