ભારતમાં શિશુના જન્મની સાથે જ તેનું આધારકાર્ડ કાઢી દેવાની યોજના તૈયાર થઈ રહી છે અને આવતા થોડા મહિનામાં તે દેશભરમાં લાગુ પાડી દેવામાં આવશે. હાલ 16 રાજયોમાં યોજના પર કામ ચાલી રહ્યું છે. કેટલાંક ભાગોમાં જન્મ પ્રમાણપત્રની સાથે આધાર નંબર આપવાનું પણ શરૂ કરી દેવાયુ છે.યુઆઈડીએઆઈના સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું. કે 16 રાજયોમાં શિશુ જન્મની સાથે જ રજીસ્ટ્રેશનની માહિતી એજન્સીને મળી જાય છે તેને પગલે એવી તૈયારી કરવામાં આવી રહી છે કે દેશભરમાં બાળકના જન્મ સાથે જ તેનું આધારકાર્ડ-નંબર આપી દેવામાં આવે ત્યારબાદ 5 અને 15 વર્ષ બાદ ફિંગરપ્રિન્ટ, આંખોની કીકી જેવી બાયોમેટ્રીક વિગતો અપડેટ કરવામાં આવે. દેશના તમામ આધારકાર્ડની માહિતી સચોટ હોય તથા બોગસ કાર્ડનું દુષણ દૂર કરવા માટે 10 વર્ષ જુના આધારકાર્ડમાં સરનામા તથા અન્ય વિગતો અપડેટ કરવા માટે છુટ્ટ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે દેશમાં આધારકાર્ડ પ્રોજેકટ 2010માં લોન્ચ થયો હતો. આ વર્ષમાં પ્રથમ આધારકાર્ડ નિકળ્યુ હતું. હાલ તમામ પુખ્ત નાગરિકો પાસે આધારકાર્ડ છે. 5થી18 વર્ષની વયજૂથના 90 ટકા તથા 0 થી 5 વર્ષના 45 ટકા બાળકોના આધારકાર્ડ મૌજૂદ છે. સતાવાર આંકડા પ્રમાણે છેલ્લા એક વર્ષમાં 20 કરોડ લોકોએ આધારકાર્ડ અપડેટ કરાવ્યા હતા તેમાંથી 3.5 કરોડ બાળકોના હતા. દેશમાં કુલ 134 કરોડ આધાર નંબર જારી થયેલા છે.