જામનગર શહેરના નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં રહેતાં યુવકે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા તેના પ્રૌઢ ઘરે ચકકર આવતા પડી જવાથી બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરમાં નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં રહેતાં હર્ષ હિતેન્દ્રભાઈ ડાભી (ઉ.વ.19) નામના વેપારી યુવકે શુક્રવારે મધ્યરાત્રિના સમયે તેના કોઇ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે બાબુભાઇ દ્વારા જાણ કરાતા હેકો જે.બી. સોચા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના ગુલાબનગર યોગેશ્ર્વરનગરમાં રહેતાં શૈલેષભાઈ વાગજીભાઈ જાદવ (ઉ.વ.56) નામના પ્રૌઢને શુક્રવારે સવારના સમયે તેના ઘરે અચાનક ચકકર આવતા પડી જવાથી બેશુધ્ધ થઈ ગયા હતાં. ત્યારબાદ સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર ચિરાગ દ્વારા જાણ કરાતા હેકો આર.એ.કુબાવત તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી હાથ ધરી હતી.