ખાડાના નસીબ કહો કે, આ વિસ્તારમાં રહેતા નાગરિકોના નસીબ, કામદાર કોલોનીને જોડતાં મુખ્ય રસ્તાના પ્રવેશ પાસે જ ચોમાસા દરમ્યાન પડેલા મસમોટા ખાડાઓની મરામતને માત્ર 4 ફૂટનું છેટું રહી ગયું ! તાજેતરમાં જામનગરની મુલાકાતે આવેલાં પ્રધાનમંત્રી મોદીનો કાફલો જે રસ્તેથી પસાર થયો તે આખા રસ્તાને તંત્ર દ્વારા ચકાચક કરી દેવામાં આવ્યો હતો. કામદાર કોલોનીને જોડતાં મુખ્ય રસ્તાના આ ખાડા પ્રધાનમંત્રીના કાફલાવાળા રસ્તાથી માત્ર 4 ફૂટ જ દુર છે. છતાં પણ કાફલો અહીં જવાનો ન હોવાથી તેને તંત્ર દ્વારા જેમના તેમ છોડી દેવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, આ ખાડાઓ રસ્તાના મુખ પર એવી જગ્યાએ આવેલા છે જયાં અકસ્માતની સૌથી વધુ સંભાવનાઓ રહેલી છે. જો તંત્રએ જરા સરખી પણ વિવેકબુધ્ધિનો ઉપયોગ કરીને માત્ર 4 ફૂટના અંતરે આવેલા આ ખાડાની મરામત કરીને તેના પર પેચવર્ક કરી દીધું હોત તો આ વિસ્તારના લોકો માટે પ્રધાનમંત્રીનું આગમન સોનામાં સુગંધ ભળ્યાં જેવું બની ગયું હોત. પરંતુ યંત્રવત કાર્ય કરતાં તંત્રને આવું કેમ સુઝે ? હવે આ ખાડાઓની મરામત કયારે થશે ? તે કોઇ કહી શકે તેમ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, કામદાર કોલોની સહિતના મહત્વના વિસ્તારોને જોડતો આ મુખ્ય માર્ગ છે. જયાંથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. એટલું જ નહીં આ એવો પોઇન્ટ છે જયાંથી મુખ્ય માર્ગનું ક્રોસિંગ પણ છે. ત્યારે બરાબર ક્રોસિંગ પરના આ ખાડા અનેક વાહન ચાલકોનું બેલેન્સ બગાડી રહયા છે.