યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવ સહિતના શહેરો પર કેટલાક મહિનાની એકંદર શાંતિ પછી ફરી એક વખત રશિયાએ ભયાનક હુમલા શરૂ કર્યા છે. રશિયાએ યુક્રેન પર 84 મિસાઈલ છોડી ભયાનક હુમલો કર્યાના બીજા દિવસે પશ્ચિમમાં લવીવથી લઈને પૂર્વમાં ખારકીવ સુધીના શહેરોમાં મિસાઈલ-ડ્રોનથી તાજેતરના મહિનાઓનો ભયાનક હુમલો કર્યો હતો. આ ઘટનાઓ વચ્ચે અમેરિકાનું કહેવું છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધ સાથે દુનિયામાં ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે, રશિયા આ યુદ્ધમાં પરમાણુ હુમલા કરતાં પણ ખચકાશે નહીં. આ સાથે અમેરિકાએ પણ 100 પરમાણુ શસ્ત્રો યુરોપમાં મોકલ્યા હોવાનો દાવો કરાયો છે.
બીજીબાજુ અમેરિકન પ્રમુખ બાઈડેન પણ અગાઉ ચેતવણી આપી ચૂક્યા છે કે ક્યુબા મિસાઈલ કટોકટી પછી 60 વર્ષમાં પહેલી વખત દુનિયા ઉપર પરમાણુ યુદ્ધનું જોખમ વધી ગયું છે. ઉપરાંત પુતિન પરમાણુ હુમલા અંગે મઝાક નથી કરી રહ્યા. વધુમાં ધ ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટીસ્ટએ દાવો કર્યો હતો કે અમેરિકાના 100 પરમાણુ શસ્ત્રો નેધરલેન્ડ, બેલ્જિયમ, જર્મની, ઈટાલી અને તુર્કીમાં છે. સામે છેડે તાજેતરમાં બેલારુસના પ્રમુખ એલેક્ઝાન્ડર લુકાશેકોએ સેન્ટ પિટર્સબર્ગમાં વ્લાદિમિર પુતિનની મુલાકાત લીધી હતી અને યુક્રેન યુદ્ધમાં ઝુકાવવાની તૈયારી દર્શાવી હતી. જોકે, બેલારૂસના સંરક્ષણ મંત્રીએ યુક્રેન યુદ્ધમાં તેમની સીધી સામેલગીરીની વાત નકારી કાઢી હતી.