ખંભાળિયા તાલુકાના સામોર ગામે આજથી આશરે 16 વર્ષ પૂર્વે એક ખેડૂત આધેડની વાડીમાં ત્રાટકી, દંપતીને માર મારી અને લૂંટ ચલાવ્યા બાદ આધેડ મહિલાની હત્યા નીપજાવીને નાસી છૂટેલા આરોપીને એલ.સી.બી. પોલીસે મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લામાંથી દબોચી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે એલસીબી દ્વારા સાંપળેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સામોર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા એક આહિર પરીવારના દંપતિ વાડી વિસ્તારમાં એકલા રહેતા હતા. જે-તે સમયે તેમની વાડીમાં અગાઉ શ્રમિક તરીકે કામ કરી ચૂકેલા અને ખોટા નામથી ઓળખ આપી અને કોઈ બાબતે બોલાચાલી બાદ છુટા થઈને ત્યાંથી નીકળી ગયેલા એક શખ્સે વર્ષ 2016 માં લૂંટ કરવાના ઇરાદે આ ખેડૂત દંપતીના ઘરે આવી અને રાત્રિના સમયે આ દંપતીને બેફામ માર મારી, વેઢલા લૂંટી લેવા માટે દાતરડા વડે આધેડ મહિલાના કાનને ઇજાગ્રસ્ત કરતા આ આધેડ મહિલાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. બાદમાં આરોપી શખ્સ આ મહિલાએ પહેરેલા સોનાના કિંમતી વેઢલાની લૂંટ ચલાવીને અંધારામાં અલોપ થઈ ગયો હતો.
આ સમગ્ર બનાવવા અંગે જે-તે સમયે ખંભાળિયા પોલીસ મથકમાં માનવ હત્યા સહિતની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ નાસી ગયેલા શખ્સની ભાળ મેળવવા એલ.સી.બી. પોલીસે પોતાના હાથમાં તપાસ લીધા બાદ એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના અને પી.એસ.આઈ.. બી.એમ. દેવમુરારી તથા પી.એસ.આઈ. એસ.વી. ગળચરના માર્ગદર્શન હેઠળ તેમની એક ટીમ થોડા દિવસ પૂર્વે મધ્યપ્રદેશ પહોંચી હતી.
જ્યાં એલ.સી.બી.ના એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા તથા હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ નંદાણીયા સાથેની ટીમ દ્વારા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના આંબલા તાલુકામાં દસેક દિવસ મુકામ કરી અને આરોપીએ અગાઉ ભોગ બનનાર પરિવારને આપેલા ખોટા નામ વચ્ચે એલસીબી વિભાગે જુદા-જુદા પુરાવા એકત્ર કરી, સરકારી મતદાર યાદીની તપાસ કરી, ગામના સરપંચને મળ્યા હતા. જ્યાં આ નામનો એક પણ શખ્સ ન હોવાનું તેમને જાણવા મળ્યું હતું. સ્થાનિક પોલીસની મદદ લઈ અને આરોપી શખ્સના પિતા, ભાઈ તથા પત્નીના નામ સાથે સરખા સરખાવતા લુટ તથા હત્યા પ્રકરણમાં આ વિસ્તાર આમલા તાલુકાના બન્ધ નીગવાલ વિસ્તારમાં રહેતા મીચરા ઉર્ફે કનીયા ઉર્ફે કનીયો ઉર્ફે છગન મનસિંહ ઉર્ફે મચ્છો બામનીયા નામના ઉઠાવી લેવામાં આવ્યું હતું. કોર્ટ દ્વારા મેળવવામાં આવેલા વોરંટના આધારે એલસીબી પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા શરૂઆતમાં ગુનાથી મુકરી ગયેલા ઉપરોક્ત શખ્સે ભાંગી જઈ અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
આમ, 16 વર્ષ પૂર્વે સામોર ગામે થયેલી લૂંટ તથા હત્યા પ્રકરણમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા માટે એલસીબી પોલીસને સફળતા મળી છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. દેવમુરારી, ગળચર તથા એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, દેવશીભાઈ ગોજીયા, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, કેશુરભાઈ ભાટીયા, વિપુલભાઈ ડાંગર, સુનિલભાઈ, જયદેવસિંહ, નરશીભાઈ, ધર્મેન્દ્રસિંહ, મસરીભાઈ, લાખાભાઈ, અરજણભાઈ મારુ, જીતુભાઈ, જેસલસિંહ, સહદેવસિંહ, મહેન્દ્રસિંહ, હસમુખભાઈ, ગોવિંદભાઈ, વિશ્વદિપસિંહ, અરજણભાઈ આંબલીયા, કેતનભાઇ, મેહુલભાઈ, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.