Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં મહામતિ પ્રાણનાથજીનો પ્રાકટ્ય મહોત્સવ યોજાશે

જામનગરમાં મહામતિ પ્રાણનાથજીનો પ્રાકટ્ય મહોત્સવ યોજાશે

24મી સપ્ટેમ્બરે ભવ્ય શોભાયાત્રા

જામનગર શહેરની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા 5 નવતનપુરીધામ, ખીજડા મંદિરમાં તા. 23 સપ્ટેમ્બર, 2022 થી 25 સપ્ટેમ્બર, 2022 દરમિયાન ત્રિદિવસીય મહામતિ પ્રાણનાથજીના પ્રાકટ્ય મહોત્સવના ઉપલક્ષ્યમાં ધાર્મિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેર પ્રાણનાથજીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે.

- Advertisement -

મહામતિ પ્રાણનાથજીનો જન્મ જામનગરમાં વિક્રમ સંવત 1675 ભાદરવા વદ ચૌદશને રવિવાર (6 સપ્ટેમ્બર-1618)ના રોજ જામરાજાના દિવાન કેશવરાયજીને ત્યાં થયો હતો. તેઓએ જામનગરથી પન્ના (મ.પ્ર.) સુધી ધર્મયાત્રા કરી સામાજિક જાગૃતિ, ધાર્મિક ચેતના અને રાજનીતિ ક્ષેત્રે નવા ક્રાંતિકારી મૂલ્યો પ્રસ્થાપિત કર્યા છે. ધર્મપ્રચારયાત્રા દરમ્યાન 18758 ચોપાઈઓ પ્રકટી હતી. તેમનું સંકલન તારતમ સાગરમાં થયું છે. માનવીના આધ્યાત્મિક ઉત્થાનની સાથો-સાથ સમાજ સુધારણાનો ઉપદેશ આપી વિશ્વ ધર્મની બુનિયાદ ખડી કરી ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને વિશ્વ કલ્યાણના મહાન સંદેશ દ્વારા વ્યક્ત કરી માનવ જાતને સાતા આપવાનો પ્રયત્ન કર્યો હતો.

પ્રતિવર્ષે મહામતી પ્રાણનાથજીની જન્મ જયંતી જામનગરમાં દેશ-વિદેશના હજારો ભાવિક ધર્મપ્રેમી ભક્તોની હાજરીમાં ઉજવાય છે. આ વર્ષે પણ તા.23 સપ્ટેમ્બર,2022થી ત્રિ દિવસીય પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવ નો પ્રારંભ થનાર છે. આ મહોત્સવના પ્રારંભે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ સહિતના રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવના બીજા દિવસે તા . 24 સપ્ટેમ્બર 2022 રોજ સવારે 10 કલાકે પ્રાગટ્ય મહોત્સવની મહાઆરતી, દર્શન તથા મંદિરના શિખર ઉપર નૂતન ધ્વજારોહણ થશે ત્યાર બાદ બપોરે 4 કલાકે 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી વિશાળ શોભાયાત્રાનો પ્રારંભ થશે જે શોભાયાત્રા જામનગર શહેરના મુખ્ય માર્ગો પરથી ફરી મહામતી પ્રાણનાથજીના જન્મ સ્થાન ‘પ્રાણનાથ મેડી મંદિર’ થઈ આ શોભાયાત્રા નગર પરિભ્રમણ કરી પુન: ખીજડા મંદિરે પહોંચી સંપન્ન થશે.
તા. 25 સપ્ટેમ્બર, 2022 ને રવિવારના રોજ તારતમ સાગરના 108 પારાયણની સવારે 10:30 વાગ્યે પૂર્ણાહુતિ થશે. તેમજ તા . 29 સપ્ટેમ્બર, 2022 ને ગુરુવારના રોજ મહામતી પ્રાણનાથજી નો છઠ્ઠી ઉત્સવ ઉજવવામાં આવશે.

- Advertisement -

જામનગરમાં આયોજિત ત્રિદિવસીય પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે કાર્યક્રમ દરમિયાન સવારે 9 થી 11:30 તારતમવાણીની ચર્ચા થશે. બપોરે 4 થી 6:30 સત્સંગ પ્રવચનો અને રાત્રે ભજન સંધ્યા, રાસ – ગરબા, ધાર્મિક નાટક જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જામનગર શહેર, જિલ્લા તેમજ બહાર ગામના વિશિષ્ટ અતિથિઓને આમંત્રિત કરવામાં આવેલ છે. સાથોસાથ ભારતના વિવિધ રાજ્યો તથા નેપાળ, ભૂતાન, સિક્કિમ તેમજ વિદેશથી બહોળી સંખ્યામાં અનુયાયીઓ – સુંદરસાથજી હાજરી આપશે .

ધાર્મિક વ્યાખ્યાનોમાં શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણિ મહારાજ તથા સમગ્ર ભારતભરમાંથી પધારેલા સંતોના વ્યાખ્યાનો અને તારતમ સાગરની ચર્ચા થશે. આ મહોત્સવના સુચારૂ સંચાલન- વ્યવસ્થા માટે ટ્રસ્ટીઓની રાહબરી નીચે વિવિધ સમિતિઓની રચના કરી દેવામાં આવી છે. આ આધ્યાત્મિક મહોત્સવની જ્ઞાનગંગામાં પાવન થવા સુંદરસાથજી, ધર્મપ્રેમી ભક્તોને સાદર અનુરોધ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular