મધ્ય પ્રદેશના 25 વર્ષીય અંધ સોફ્ટવેર એન્જિનિયરને આઇટીની અગ્રણી કંપની માઇક્રોસોફ્ટ તરફથી 47 લાખ રૂપિયાના સેલેરી પેકેજની ઓફર મળી છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. યસ સોનકિયાએ 2021માં ઇન્દોર સ્થિત શ્રી ગોવિંદરામ સેકસરીયા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ (એસજીએસઆઇટીએસ) માંથી બી ટેકની ડિગ્રી મેળવી હતી. તાજેતરમાં ગ્રેજ્યુએટ થયેલા યશને માઇક્રોસોફ્ટ તરફથી વાર્ષિક 47 લાખ રૂપિયાના પગારની નોકરી મળી છે. આ અંગેની વાતચીત દરમિયાન યશે જણાવ્યું હતું કે તેણે આ ઓફર સ્વીકારી લીધી છે અને તે ટૂંક સમયમાં કંપનીની બેંગાલુરુ ઓફિસમાં નોકરી શરૂ કરશે. જો કે શરૂઆતમાં તેને વર્ક ફ્રોમ હોમ કરવા જણાવવામાં આવ્યું છે. યશ જ્યારે માત્ર આઠ વર્ષનો હતો ત્યારે ગ્લુકોમાને કારણે તેની દ્રષ્ટિ જતી રહી હતી. તેણે સ્ક્રીન રીડર સોફ્ટવેરની મદદથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.તેણે કોડિંગ શીખીને માઇક્રોસોફ્ટમાં અરજી કરી હતી. ઓનલાઇન પરીક્ષા અને ઇન્ટરવ્યુ પછી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે મારી પસંદગી કરવામાં આવી છે. સોનકીયા પિતા શહેરમાં એક કેન્ટીન ચલાવે છે. જન્મની સાથે જ તેને ગ્લુકોમાની બિમારી હતી. જેના કારણે તેને શરૂઆતથી જ ઓછું દેખાતું હતું. જો કે આઠ વર્ષની ઉંમરે તેને દેખાવાનું સંપૂર્ણ બંધ થઇ ગયું હતું.