મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મનોહર અને શાંત દરિયા કિનારે આવેલા શિવરાજપૂર બીચ માં પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાઇ રહેલા ફેઇઝ-1 અંતર્ગત પ્રવાસન-યાત્રી સુવિધાના કામોની પ્રગતિનું જાતનિરીક્ષણ કર્યુ હતું. પર્યટન, પ્રવાસન અને સલામતીને ધ્યાને રાખીને બ્લ્યૂ ફલેગના વૈશ્વિક ધોરણો અન્વયે શિવરાજપૂર બીચને પ્રવાસન વિભાગ વિકસીત કરી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે દ્વારકાધિશ મંદિરમાં અર્ચન-દર્શન કર્યા બાદ શિવરાજપૂર બીચ પહોચ્યા હતા.
તેમણે શિવરાજપૂર ખાતે અંદાજે રૂ. ર૩.૪૩ કરોડના ખર્ચે ફેઇઝ-૧ અંતર્ગત અરાઇવલ પ્લાઝા, સાઇકલ ટ્રેક, પ્રોમોનેડ, પાથ-વે, પીવાના પાણી, ટોઇલેટ બ્લોક સુવિધા વગેરેના જે કામો હાથ ધરાવાના છે તે પૈકીના પ્રગતિ હેઠળના કામોની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. પ્રવાસન સચિવ હારિત શુકલાએ આ તકે મુખ્યમંત્રીને શિવરાજપૂર ડેવલપમેન્ટની વિગતો આપતાં કહ્યું કે, ફેઇઝ-૧ ના કામો પૈકી પ૬ ટકા કામો પૂર્ણ થઇ ગયા છે
સમગ્રતયા પ્રવાસન સુવિધાના કુલ અંદાજે 135 કરોડના વિવિધ કામો શિવરાજપૂર માં હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ પ્રવાસન સચિવે મુખ્યમંત્રીને જણાવ્યું હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કામો વેળાસર પૂર્ણ કરી પ્રવાસીઓને પુરતી સુવિધા મળી રહે તે માટેના પ્રેરક સૂચનો કર્યા હતા.
શિવરાજપૂર ખાતે ફેઇઝ-ર માં ૧૭ જેટલા વિવિધ ટુરિસ્ટ ફેસેલીટીઝના રૂપિયા 71.80 કરોડની કિંમતના કામોની વિગતો પણ પ્રવાસન સચિવે મુખ્યમંત્રીને આપી હતી. ભૂપેન્દ્ર પટેલે હાઇ-વે થી શિવરાજપૂર પહોચવા માટેના રોડની માર્ગ-મકાન વિભાગ દ્વારા થઇ રહેલી કામગીરી પણ નિહાળી હતી. પ્રવાસન વિભાગે આ રોડ નિર્માણ માટે ૪૦ કરોડ રૂપિયા માર્ગ-મકાન વિભાગને ફાળવેલા છે તથા આ રોડનું ૪૯ ટકા કામ પૂર્ણ થઇ ગયું છે.
આ વેળાએ પુર્વ મંત્રી મુળુભાઇ બેરા, પુર્વ ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઇ કણઝારીયા, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જયોતિબેન સામાણી તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક નિતેષ પાંડે, નિવાસી અધિક કલેકટર કે.એમ. જાની, પ્રવાસન નિગમના અધિકારી પંડિત તેમજ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.