ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે, ચાલુ વર્ષે શ્રીલંકામાં યોજાનાર એશિયા કપ ટી-20નું આયોજન હવે યુએઈમાં કરવામાં આવશે. મુંબઈમાં બોર્ડની એપેક્ષ કાઉન્સિલ બેઠક બાદ ગાંગુલીએ પત્રકારો સાથએ વાતચીત કરતા જણાવ્યું કે, યુએઈ એક જ એવું સ્થળ છે જ્યાં વરસાદ નહીં પડે. ઓગસ્ટથી સપ્ટેમ્બરના ગાળામાં એશિયા કપનું આયોજન કરાયું છે.
શ્રીલંકા ક્રિકેટે એશિયન ક્રિકેટ કાઉન્સિલને જણાવ્યું હતું કે, પ્રવર્તમાન રાજકીય અને આર્થિક કટોકટીને કારણે તે એશિયા કપનું આયોજન કરી શકે તેવી સ્થિતિમાં નથી. શ્રીલંકાએ તાજેતરમાં તેની લંકા પ્રીમિરય લીગની ત્રીજી આવૃત્તિને પણ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. ચાલુ વર્ષે ટી20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં યોજાઈ રહ્યો છે તે પૂર્વે 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર વચ્ચે એશિયા કપ ટી20નું આયોજન કરાયું છે. આ વર્ષે એશિયા કપ ટી20 ફોરમેટમાં યોજાશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે, યુએઈ અથવા ભારતમાં એશિયા કપ ટી20નું આયોજન કરી શકાય છે.