Wednesday, January 15, 2025
Homeરાજ્યખંભાળિયા નજીકકારનું ટાયર ફાટતા અકસ્માતમાં બે બાળકોના મોત

ખંભાળિયા નજીકકારનું ટાયર ફાટતા અકસ્માતમાં બે બાળકોના મોત

- Advertisement -

ખંભાળિયા- જામનગર ધોરીમાર્ગ પર ગઈકાલે બપોરે ખંભાળિયા તરફ આવી રહેલી એક સ્વિફ્ટ મોટરકાર અકસ્માતે પલટી જતા આ મોટરમાં જઈ રહેલા ચાર વયસ્કો તથા બે બાળકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા બે માસુમ બાળકોએ સ્થળ પર જ અંતિમ શ્વાસ લીધા હતા.

- Advertisement -

ખંભાળિયા પંથકમાં ભારે અરેરાટીજનક એવા આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા-જામનગર હાઈ-વે પર અત્રેથી આશરે આઠેક કિલોમીટર દૂર દાતા ગામથી એન.આર.ઈ. ગોલાઈ વચ્ચે ગઈકાલે ગુરુવારે બપોરે આશરે સાડા ત્રણેક વાગ્યે ખંભાળિયા તરફ આવી રહેલી જીજે-04-એપી-3921 નંબરની સફેદ કલરની સ્વીફ્ટ મોટરકાર અકસ્માતે રોડની એક તરફ પલટી ગઈ હતી. જાણવા મળતી વિગત મુજબ આ સ્વિફ્ટ કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે આ મોટરકારમાં જઈ રહેલા રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના દડીયા ગામના રહીશ નિરુબા જયપાલસિંહ જાડેજા (ઉ.વ. 24), અજયસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ. 45), ગિરિરાજસિંહ ભાવુભા વાળા (ઉ.વ. 58) અને સોનલબા ગિરિરાજસિંહ વાળા (ઉ.વ. 52) નામના ચાર પરિવારજનોને ગંભીર ઈજાઓ થતા ઇમર્જન્સી 108 વાન મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા. જે પૈકીના બે મુસાફરોની હાલત ગંભીર જણાતા આ તમામ ચાર મુસાફરોને વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ મોટરકારમાં જઈ રહેલા દિવ્યરાજસિંહ ઝાલા તથા હરદીપસિંહ નામના બે માસૂમ માટે આ અકસ્માત જીવલેણ નીવડ્યો હતો અને તેઓને ગંભીર ઈજાઓ થતા આ બંને બાળકોએ સ્થળ પર જ અંતિમ શ્વાસ ખેંચ્યા હતા.

આ બનાવ બનતા સ્થાનિક રહીશો તથા ક્ષત્રિય સમાજના આગેવાનો, કાર્યકરો ઘટના સ્થળે તથા હોસ્પિટલે દોડી ગયા હતા અને જરૂરી વ્યવસ્થામાં મદદરૂપ બન્યા હતા. આ પરિવારજનો ખંભાળિયા તરફથી કલ્યાણપુર તરફ જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત તથા બે માસુમ બાળકોના અકાળે મૃત્યુના આ બનાવે સમગ્ર ખંભાળિયા પંથકમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular