ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે આ સેવાકીય કાર્યનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે તા. 11 જુલાઈના રોજ નરેશભાઈ પટેલના 57મા જન્મદિવસે રાજ્યભરના 57 સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા આગામી 11 જુલાઈને સોમવારના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસે રાજકોટ શહેર અને જિલ્લા સહિત રાજ્યભરના કુલ 57 સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. રાજકોટ શહેર અને જિલ્લા ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમરેલી, પાટણ, ભરૂચ, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પોરબંદર, મોરબી, વાપી, નવસારી, ખેડા, કચ્છ સહિતના જિલ્લામાં પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને આ રાષ્ટ્રસેવામાં સહભાગી થવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.