હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઇકાલે સોમવારે સવારથી જામનગર શહેર-જિલ્લામાં મોટાભાગના સ્થળોએ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. વાદળોના ઘેરાવ વચ્ચે મેઘાવી માહોલ સર્જાયો હતો. જામનગર શહેરમાં સમયાંતરે હળવા ઝાપટાં વરસતાં છેલ્લા 24 કલાકમાં 10 મીમી વરસાદ વરસ્યો હતો. જામનગર શહેરની સાથે કાલાવડમાં 15 મીમી તથા જામજોધપુરમાં 8 મીમી વરસાદ નોંધાયો હતો.
જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. ગઇકાલે સોમવારે દિવસભર મેઘાવી માહોલ વચ્ચે હળવો વરસાદ વરસ્યો હતો. જેમાં છેલ્લા 24 કલાક દરમ્યાન કાલાવડ પંથકમાં અડધા ઇંચથી વધુ પાણી વરસ્યું હતું. જામનગર અને જામજોધપુરમાં સમયાંતરે ઝાપટાથી માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા.
જામનગરમાં 10 મીમી તથા જામજોધપુરમાં 8મીમી વરસાદ નોંધાયો હતો. જામનગર શહેરમાં વરસાદી ઝાપટાંથી શહેરના અનેક માર્ગો પાણી-પાણી થયા હતા. મેઘાડંબર વચ્ચે શરૂ થયેલાં વરસાદની લોકોએ મજા માણી હતી. એક સમયે વરસાદ જામી જશે તેવો માહોલ સર્જાયો હતો. પરંતુ હજુ જામનગર શહેરમાં જોઇએ તેવો વરસાદ જામ્યો નથી.
છેલ્લા 24 કલાક સુધીમાં ગ્રામ્ય પંથકના વરસાદી આંકડા જોઇએ તો જામનગર તાલુકાના લાખાબાવળમાં 10 મીમી, ધુતારપુરમાં 50 મીમી, અલિયાબાડામાં 15 મીમી, જોડિયા તાલુકાના પીઠડમાં પ મીમી, ધ્રોલ તાલુકાના લતીપુરમાં 3મીમી, જાલિયાદેવાણીમાં 20 મીમી, કાલાવડ તાલુકાના નિકાવામાં 10 મીમી, ખરેડીમાં 20 મીમી, મોટાવડાળામાં પ મીમી, ભ-ભેરાજા 10મીમી, નવાગામમાં 15 મીમી, મોટાપાંચ દેવડામાં 20 મીમી, જામજોધપુર તાલુકાના સમાણામાં 17 મીમી, શેઠવડાળામાં 12મીમી, જામવાડીમાં 28 મીમી, વાંસજાળિયામાં 40 મીમી, ધુનડામાં 45 મીમી, ધ્રાફામાં 60 મીમી, પરવડામાં 38 મીમી, લાલપુર તાલુકાના ભણગોર 36 મીમી, મોડપરમાં 2 મીમી અને ડબાસંગમાં 4 મીમી વરસાદ નોંધાયો હતો.