જામનગર શહેર અને જિલ્લામાં ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવનારા તત્વો સામે પોલીસવડા દ્વારા કડક કાર્યવાહી અંતર્ગત આવા બાઈકસવારોના વાહનો ડીટેઈન અને દંડ વસૂલાતની કામગીરી કરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના અમુક વિસ્તારોમાં રાત્રિના સમયે આવારા તત્વો માર્ગો પર ધૂમ સ્ટાઇલથી બાઈકો ચલાવી લોકોને પરેશાન કરતા હોય છે. શહેરના અનેક વિસ્તારોમાંથી મળેલી વ્યાપક ફરિયાદોને આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત શહેરના સિટી એ, બી અને સી ડિવિઝન તથા ટ્રાફિક શાખા દ્વારા રાત્રિના સમયે આ ધૂમ સ્ટાઈલ બાઈકસવારોને આંતરીને વાહન ડીટેઇન તથા દંડ વસૂલાતની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેના કારણે રાત્રિના સમયે નિશાચર બની બેખોફ ધૂમસ્ટાઈલ બાઈક ફેરવાતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તેમાં પણ ખાસ કરીને પોશ વિસ્તાર જેવા કે, જોગસ પાર્ક, પટેલ કોલોની, પાર્ક કોલોની વિસ્તારોમાં આવારા તત્વો રાત્રિના ધૂમસ્ટાઈલથી બાઈક ચલાવતા હોય છે. જેના કારણે ત્રાહિમામ થઈ જાય છે.