ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી પ્રિ-મોન્સુન એકટિવીટીનો પ્રારંભ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 10 તારીખ સુધી થંડરસ્ટોર્મ સાથે વરસાદની સંભાવના દર્શાવાઇ છે. બીજી તરફ વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા આ વર્ષે રાજયમાં ચોમાસું 12 થી 14 આની રહેવાની આગાહી કરવામાં આવી છે. દરમ્યાન આજ સવારથી જ જામનગર સહિત અનેક વિસ્તારોમાં આકાશમાં હળવા વાદળો જોવા મળી રહયા છે. વહેલા વરસાદને કારણે કેરી પકવતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. તો બીજી તરફ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલી વર્ષા વિજ્ઞાન મંડળની પરિષદમાં આગાહીકારો દ્વારા રાજયમાં વરસાદનો વરતારો આપવામાં આવ્યો હતો. આ આગાહીકારો દ્વારા પોતાનો અનુભવ અને અભ્યાસના આધારે તેમજ નક્ષત્રમાં તથા ફેરફાર, પવનની દિશા, પક્ષીઓની બોલી વગેરે બાબતોનો અભ્યાસ કરીને વરસાદની આગાહી કરતાં હોય છે. આ આગાહીકારોના સંકલિત મત અનુસાર રાજયમાં આ વર્ષે ચોમાસુ 12 થી 14 આની એટલે કે, મધ્યમ રહેવાની આગાહી કરવામાં આવી છે.