- Advertisement -
ભારતની દરિયાઇ સરહદને વધુ સુરક્ષિત અને જવાનોને આધુનિક તાલીમ આપવા ભારતીય સુરક્ષા એજન્સીઓ કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ કટિબધ્ધ છે અને ગુજરાતમાં દ્વારકા ખાતે નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસીંગ સંસ્થા બની રહી છે. તેમ કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજરોજ દ્વારકાની મુલાકાતમાં જણાવ્યું હતું.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે દ્વારકા સ્થિત એન.એ.સી.પી. તાલીમ સંસ્થાની મુલાકાત લીધી હતી અને
બી.એસ.એફ.ના વરિષ્ઠ અધિકારીઓ, જવાનો સાથે સંવાદ કર્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું દ્વારકા ખાતે નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસીંગમાં ડી.જી. પંકજકુમાર સીંઘે સ્વાગત કર્યું હતું. કેન્દ્રિય મંત્રીએ આ એકેડેમીમાં હાલ ઉપલબ્ધ સુવિધા અને હજુ આધુનિક તાલીમ માટે ઉપલબ્ધ થનાર સંસાધનો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે બી.એસ.એફ.ના ડી.જી. પંકજકુમાર સીંઘે જણાવ્યું હતું કે ભારતના નવ રાજયોમાં દરિયા સુરક્ષા માટે આધુનિક તાલીમ અર્થે એકેડેમીનું નિર્માણ થયું છે એમાં ગુજરાતની આ એકેડેમી મહત્વની છે. ભારત સરકાર દ્વારા દીર્ધ દ્રષ્ટિ અને લાંબાગાળાના આયોજનના ભાગરૂપે અદ્યતન તાલીમ સંસ્થાઓ નિર્માણ કરવા સાથે સુરક્ષા માટે પ્રશિક્ષણ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આ તાલીમ સંસ્થાઓમાં સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ, ટ્રેનરો જવાનોને વોટર ટ્રેઇનીંગ સહિતની તાલીમ આપશે. તાલીમના માળખાને રાષ્ટ્રીય સ્તરે વધુ સુદ્રઢ બનાવવામાં આવ્યું છે. ગૃહમંત્રીએ આ પ્રસંગે જવાનોને શુભકામનાઓ પાઠવી હતી.
આ સાથે બી.એસ.એફ.ના ડી.જી. ઉપરાંત ગુજરાત બી.એસ.એફ.ના આઈ.જી. જ્ઞાનેન્દ્ર મલેક, દ્વારકાના ડીઆઇજી હેમંતકુમાર ઉપરાંત બી.એસ.એફ.ના વરિષ્ઠ અધિકારીઓ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર એમ.એ. પંડયા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા સહિતના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહયા હતા.
- Advertisement -