Monday, December 23, 2024
Homeરાજ્યરાવલના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કૃષિ મંત્રી દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

રાવલના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કૃષિ મંત્રી દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

ટાટા કેમિકલ્સના સહયોગથી ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત

- Advertisement -
 દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ખાતે ગઈકાલે રવિવારે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ટાટા કેમિકલ્સના સહયોગથી કાર્યરત કરવામાં આવેલા 200 એલ.પી.એચ. પી.એસ.એ. ક્ષમતાના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.
કોરોનાની મહામારીમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય વિભાગે દર્દીઓની સેવા અને સારવાર માટે અથાગ પરિશ્રમ કરીને કોરોના સંક્રમણને કાબુમાં લેવા રસીકરણની કામગીરીને પણ વ્યાપક બનાવી છે.
કોરોનાની અગાઉની લહેરમાં ઓક્સિજનની ઊભી થયેલી જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનના પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં સરકારને સંસ્થાઓ અને કંપનીઓનો પણ સહયોગ મળ્યો છે.
કલ્યાણપુર તાલુકાના જામરાવલ ખાતે ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારીમાં સારવાર માટે અદ્યતન મેડિકલ સુવિધા ઊભી કરવામાં આવી હતી. હજુ પણ તકેદારીના ભાગરૂપે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ફરી મહામારી ન આવે તે માટે તેમણે નાગરિકોને કોરોનાની રસીનો બાકી રહેલો ડોઝ અથવા તો જેને આપવાનો થતો હોય તે ત્રીજો પ્રિકોશન મેળવી સરકારના મેગા કેમ્પમાં સહયોગ આપે તેવી પણ અપીલ કરી હતી.
મંત્રીએ તબીબો અને સમગ્ર આરોગ્ય સ્ટાફની કામગીરીને આવકારી, તેઓએ પોતાના જીવની પરવા કર્યા વગર લોકોની સારવાર માટે જે સેવા કરી છે તેને બિરદાવી હતી. આ ઉપરાંત તેમને પર્યાવરણનું મહત્વ સમજાવી ઓક્સિજન માટે વૃક્ષોનું વાવેતર કરવા અને ઉછેરવા પણ જણાવ્યુ હતું. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તંદુરસ્ત સમાજના નિર્માણ માટે કરવામાં આવેલા અભિયાનો અને સિદ્ધિઓનો સંદર્ભ આપી આયુષ્માન કાર્ડ અને વીમા યોજનાની પણ માહિતી આપી હતી.
આ પ્રસંગે અહીંના કલેકટર એમ.એ. પંડ્યાએ સૌને આવકારી રાવલ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજનના પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ થઈ તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી, સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે રાવલ નગરપાલિકાના પ્રમુખ ડો. મનોજ જાદવ, ઉપપ્રમુખ મોહનભાઈ રાવલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, ટાટા કેમિકલ્સના કામોત, અગ્રણી વિનુભાઈ ગોકાણી, ભીમશીભાઇ વારોતરીયા, પ્રવીણભાઈ લાખાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા, સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. ચૌધરી તેમજ મેડીકલ ઓફિસર ડો. દેત્રોજા સહિતના અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular