દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પોલીસ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં દેશી તથા વિદેશી દારૂના વેંચાણ તેમજ પીધેલા શખ્સો સામે કડક હાથે કામગીરી કરી છે.
ખંભાળિયા તાલુકાના પરોડીયા ગામે રહેતા દેવીયા લગધીર સાખરા નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનની ઓસરીમાં રાખવામાં આવેલા દેશી દારૂના 100 લિટર આથા તેમજ દેશી દારૂ બનાવવાના વિવિધ સાધનો સહિતનો મુદ્દામાલ સલાયા મરીન પોલીસે કબ્જે લીધો છે. આ દરોડા દરમિયાન આરોપી દેવીયા લગધિર પોલીસના હાથ ન લગતા હાલ તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
અન્ય દરોડામાં મીઠાપુર પોલીસે દેવપરા ગામે રહેતા અરજણભા માપભા માણેક નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડી, દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો, વિવિધ વાસણ, ગેસનો બાટલો અને ચૂલો વિગેરે મળી કુલ રૂા. 3,380 ના મુદ્દામાલ સાથે અરજણભા માણેકની અટકાયત કરી હતી.
જ્યારે સુરજકરાડી વિસ્તારમાં રહેતા વેરસીભા સમૈયાભા જામ નામના 34 વર્ષીય શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં દારૂ અંગેની પ્રવૃત્તિ કરતા કુલ રૂા. 2,640 ના વિવિધ મુદ્દામાલ સાથે મીઠાપુર પોલીસે તેની અટકાયત કરી, પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.