અદાલતના આદેશ બાદ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં ફરીથી સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા નિયુકત્ત એડવોકેટ કમિશનર અને એના સહાયક દ્વારા આજે સવારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મસ્જિદના તહેખાનામાં આવેલા ત્રણ રૂમનો સર્વે પૂરો કરવામાં આવ્યો છે. જયારે પશ્ર્ચિમ દિશામાં આવેલી દિવાલનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. મસ્જિદના તમામ સ્થાનોની ફોટોગ્રાફી અને વિડીયો ગ્રાફી કરવામાં આવી છે. આજે સવારે કોર્ટ, કમિશનર સહિત અધિકારીઓનો કાફલો જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં પ્રવેશ્યો હતો. આ તમામ લોકોના ફોન જમા કરી લેવામાં આવ્યા હતા. તહેખાનામાં આવેલાં ચાર રૂમ પૈકી મુસ્લિમ પક્ષ પાસે રહેલાં ત્રણ રૂમનો સર્વે પૂર્ણ કરાયો છે. જયારે એક રૂમનો સર્વે કરવાનું હજુ બાકી છે. મસ્જિદમાં સર્વેની કામગીરીને પગલે અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સંપૂર્ણ વિસ્તારને સિલ કરી દેવામાં આવ્યો છે. જયારે મસ્જિદના 500 મીટરના વિસ્તારમાં તમામ દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે. જયારે આસપાસ સુરક્ષાદળને તૈનાત કરી દેવામાં આવ્યા છે. સર્વેના સ્થળે મિડીયા કર્મીઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી. ગઇકાલે વારાણસીના ડીએમ સહિતના અધિકારીઓએ શાંતિપૂર્ણ કામગીરી માટે મુસ્લિમ પક્ષ સાથે બેઠક કરી હતી. જેમાં સહમતિ દર્શાવવામાં આવી હતી. સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી સર્વેનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.