Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયહિમાચલ પ્રદેશના ચાણક્ય પંડિત સુખરામનું નિધન

હિમાચલ પ્રદેશના ચાણક્ય પંડિત સુખરામનું નિધન

- Advertisement -

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પંડિત સુખરામ શર્માનું 94 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ ગત 7મી મેથી દિલ્હીની AIIMSહોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા. ગત 4 મેના રોજ તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો જેથી તેમને મંડી (હિમાચલ પ્રદેશ)ની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને એરલિફ્ટ કરીને દિલ્હી એઈમ્સ ખાતે લઈ જવામાં આવ્યા હતા. તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન અને અંતિમ ક્રિયા માટે મંડી લઈ જવામાં આવશે. પંડિત સુખરામના પૌત્ર આશ્રય શર્માએ સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી પોતાના દાદાના અવસાનની જાણકારી આપી હતી. આશ્રય શર્માએ મંગળવારે મોડી રાત્રે દાદા સાથેની બાળપણની એક તસવીર શેર કરી હતી  અને લખ્યું હતું કે, ’અલવિદા દાદાજી, હવે ફોનની ઘંટી નહીં વાગે.’ પંડિત સુખરામના બીજા પૌત્રનું નામ આયૂષ શર્મા છે જે બોલિવુડ અભિનેતા સલમાન ખાનની બહેન અર્પિતાના પતિ છે. પંડિત સુખરામે વર્ષ 1993થી 1996 દરમિયાન કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકેની જવાબદારી સંભાળી હતી. તેઓ મંડી લોકસભા બેઠક પરથી સાંસદ પણ રહી ચુક્યા હતા. તેઓ વિધાનસભા ચૂંટણીમાં 5 વખત તથા લોકસભા ચૂંટણીમાં 3 વખત વિજયી બન્યા હતા. તેમનો દીકરો અનિલ શર્મા મંડી ખાતે ભાજપનો ધારાસભ્ય છે. સંચાર ક્રાંતિના મસીહા અને હિમાચલ પ્રદેશની રાજનીતિના ચાણક્ય ગણાતા પૂર્વ કેન્દ્રીય સંચાર મંત્રી પંડિત સુખરામને વર્ષ 2011માં 5 વર્ષની સજા પણ થઈ હતી. તેમના પર 1996માં સંચાર મંત્રીના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લાગ્યો હતો. 1993માં તેઓ જ્યારે મંડી લોકસભાના સાંસદ હતા ત્યારે તેમનો દીકરો તે જ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીત્યો હતો. જોકે બાદમાં 1996માં અનિલ શર્માને તેમનું નામ ટેલિકોમ કૌભાંડમાં આવવાના લીધે કોંગ્રેસમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. ત્યાર બાદ અનિલે હિમાચલ વિકાસ કોંગ્રેસ પાર્ટીની રચના કરી હતી. પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું અને સરકારમાં પણ સામેલ થઈ હતી. ત્યાર બાદ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા પંડિત સુખરામે પોતાના દીકરા અનિલ શર્મા અને પૌત્ર આશ્રય શર્મા સાથે ભાજપ જોઈન કરી લીધું હતું. જોકે બાદમાં 2019ની લોકસભા ચૂંટણી પહેલા સુખરામ અને આશ્રય ફરી કોંગ્રેસમાં જોડાયા હતા. આશ્રય લોકસભા ચૂંટણીમાં હારી ગયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular