દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામમાં હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેણાંક મકાનમાં ચાલતા જૂગાર સ્થળે પોલીસે રેઈડ દરમિયાન ચાર મહિલા સહિત નવ શખ્સોને રૂા.18600 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મીઠાપુરમાં કાંકરી ગેઈટ વિસ્તારમાં જાહેરમાં ચાર શખ્સોને રૂા.5380 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, ખંભાળિયા શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ સોસાયટીના ક્વાર્ટરમાં રહેતા રમેશભાઈ મૂળજીભાઈ વાઢેર નામના શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી, અને પોતાના ઘરમાં જુગારીઓને જુગાર માટેની સુવિધાઓ પુરી પાડી, ચલાવતા અખાડા પર પોલીસે જુગાર દરોડો પાડયો હતો.
આ દરોડામાં પોલીસે ચાર મહિલાઓ સહિત પાંચેયને ઝડપી લીધા હતા. આ દરોડામાં પોલીસે કુલ રૂા. 18,600 નો મુદ્દામાલ કબજે કરી, જરૂરી કાર્યવાહી કરી હતી.
અન્ય એક દરોડો મીઠાપુર પોલીસે કાંકરી ગેઈટ વિસ્તારમાં પાડયો હતો. આ સ્થળે એક હોટલની પાછળના ભાગે બેસીને તીનપતીનો જુગાર રમી રહેલા સુમરાભા ડાડાભા નાયાણી, નિલેશ મનસુખભાઈ પંચમતિયા, હરીશ ફકીરભાઈ સલેટ અને સબીર ઉમરભાઈ ચાવડા નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂા. 5,380 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.