જામજોધપુર તાલુકાના મેવાસા આંબરડી ગામના કોબુ સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં ઇલેકટ્રીક મોટરના સ્ટાટરમાંથી વીજશોક લાગતા યુવકનું મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના હર્ષદપુર ગામની ગોલાઈ પર જતાં સમયે બાઈક પરથી પડી જતાં પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર શહેરમાં મહાનગરપાલિકાની સફાઈ કામે ગયેલા પ્રૌઢનું ગાંધીનગર નજીક બાવળની ઝાળીઓમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામજોધપુર તાલુકાના મેવાસા આંબરડી ગામમાં રહેતો જયદેવ મનસુખભાઈ દેગામા (ઉ.વ.21) નામનો યુવક રવિવારે સાંજના સમયે કોબુ સીમ વિસ્તારમાં આવેલા ભાગમાં રાખેલા ખેતરમાં વાવેલા પાકમાં પાણી વારવા માટે ઈલેકટ્રીક મોટરને ચાલુ કરવા જતાં સ્ટાટરમાંથી એકાએક શોક લાગતા બેશુદ્ધ હાલતમાં જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા મનસુખભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.એન.વાળા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા સેટેલાઈટ પાર્કમાં રહેતાં હરજીભાઇ પરસોતમભાઈ મુળસા (ઉ.વ.55) નામના પ્રૌઢ રવિવારે બપોરના સમયે તેની બાઈક પર હર્ષદપુર ગામની ગોલાઈ પરથી પસાર થતા હતાં ત્યારે ચાલુ બાઈકે પડી જતાં બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર હિરેનભાઈ દ્વારા જાણ કરાતા હેકો કે.સી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગર શહેરના રામેશ્ર્વરનગર ક્રિષ્ના પાર્કમાં રહેતાં રમેશભાઈ ભીખુભાઈ ચૌહાણ (ઉ.વ.54) નામના પ્રૌઢ રવિવારે સવારના સમયે જામનગર મહાનગરપાલિકામાં સફાઈ કામ માટે ફરજ પર જવા ઘરેથી નિકળ્યા હતાં અને મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનોએ ચિંતાતૂર થઈ પ્રૌઢની શોધખોળ આરંભી હતી. દરમિયાન ગાંધીનગર જલારામ સોસાયટી પાસે બાવળની ઝાડીમાંથી બેશુધ્ધ હાલતમાં મળી આવતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ કરાતા હેકો આર.એ. કુબાવત તથા સ્ટાફે મૃતકના પુત્ર મિલનના નિવેદનના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.