જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદા પાણીની ફરિયાદો ઉઠી રહી હોય, આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા અને ઉનાળાની સિઝનમાં એક થી સવા કલાક પાણી વિતરણ કરવા વિરોધપક્ષના નેતા આનંદ રાઠોડ દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જામનગર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફીણવાળા પાણીની ફરિયાદો આવી રહી છે. નગરસેવકો પણ ટાંકાઓના ઇન્સ્પેકટર તથા એન્જિનિયરોને આ અંગે અવાર-નવાર ફરિયાદો કરતાં હોય છે. આમ છતાં અનેક વિસ્તારોમાં શુધ્ધ પાણી આવતું નથી. જેટલા પાણીના ટાંકાઓ છે તેને નિયમિત ટેન્ડરની પ્રક્રિયા મુજબ સફાઇ પણ કરવામાં આવતી નથી. તેમજ જામનગર શહેરમાં આવેલ પાણીના ટાંકાઓમાં ટીડીએસ મપાવવા અને પાણી શુધ્ધ કરી વિતરણ કરવા આ પત્ર દ્વારા માગણી કરવામાં આવી છે.
આ ઉપરાંત 365 દિવસનો પાણીનો વેરો લેવામાં આવે છે તો શિયાળા અને ચોમાસામાં 45 મિનિટ પાણી આપવામાં આવે તેનો વાંધો નહીં, પરંતુ ઉનાળામાં એક થી સવા કલાક પાણીનું વિતરણ કરવા માગણી કરવામાં આવી છે. અશુધ્ધ પાણી વિતરણ અંગે કોન્ટ્રાકટર અને કર્મચારીઓ ઉપર પગલા લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.