જામનગરના શંકરટેકરી વલ્લભનગર વિસ્તારમાં આઈપીએલ ટી-20 ટૂર્નામેન્ટમાં મુંબઇ – દિલ્હીની મેચ ઉપર રનફેરનો જૂગાર રમાડતા ત્રણ શખ્સોને પોલીસે રૂા.12,040ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જામનગરમાં હરિયા કોલેજ પાસે ક્રિકેટ મેચનો જૂગાર રમાડતા શખ્સને રૂા.12000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના શંકરટેકરી વલ્લભનગર વિસ્તારમાં આવેલા વાલ્મિકીવાસ ચોકમાં જાહેરમાં આઈપીએલ ટી-20 ટૂર્નામેન્ટમાં મુંબઇ – દિલ્હીની મેચ ઉપર રનફેરનો જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન નાથાલાલ લાલજી ચૌહાણ, મુકેશ સામજી સોલંકી અને શિવન ધનજી નારોલા નામના ત્રણ શખ્સોને રૂા.12040 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ બીજો દરોડો, હરિયા કોલેજ નજીક મોબાઇલ ફોનમાં ક્રિકેટનો જૂગાર રમાડતા પ્રકાશ વ્રજલાલ પરમાર નામના શખ્સને રૂા.2000 ની રોકડ રકમ અને રૂા.10 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.12,000 નો મુદ્દામાલ સાથે રન ફેરનો જૂગાર રમાડી હાર-જીત કરતા ઝડપી લીધો હતો અને પૂછપરછ હાથ ધરતા આ જૂગારમાં સંજય મંગેની સંડોવણી ખુલતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.