દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલી મહત્વની એવી સિવિલ હોસ્પિટલમાં નોંધપાત્ર ઓ.પી.ડી. તથા રક્ત અંગેની સેવા કાર્યરત છે. પરંતુ સરકારી હોસ્પિટલમાં આવેલી બ્લડ બેન્કમાં રક્તનો જથ્થો ખલાસ થઈ જવાના આરે આવતા આ અંગે ડો. કનારાની અપીલને ધ્યાનમાં લઇ અને ખંભાળિયાની વિજય ચેરીટેબલ હાઈસ્કૂલના બે નવનિયુક્ત શિક્ષકો રમેશભાઈ નંદાણીયા તથા મેહુલભાઈ પુરોહિતે પ્રથમ વખત રક્તદાન કરી સેવા કાર્યની શરૂઆત કરી હતી.
તેમની સાથે શાળાના આચાર્ય હિતેન્દ્રભાઈ તથા શિક્ષક સી.આર. ભટ્ટ ઉપરાંત આઠ ભૂતપૂર્વ છાત્રોએ પણ રક્તદાન કરી અને બ્લડ બેન્કમાં લોહીનો જથ્થો ખલાસ થતા અટકાવ્યો હતો. જેના કારણે હોસ્પિટલમાં સારવાર લેતા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મદદરૂપ થઈ, આગામી સમયમાં પણ આ સૌ કોઈએ જરૂર પડ્યે પોતાનું રક્ત આપવાની તૈયારી દર્શાવી હતી.
લોહીની અછતમાં સ્ટાફ-મેમ્બરો રોજ રક્તદાન કરે છે
દેવભૂમિ દ્વારકા જિલ્લાની એકમાત્ર મોટી અને મહત્વની એવી ખંભાળિયાની સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં તાજેતરમાં ખલાસ થઈ ગયેલા લોહીના જથ્થા વચ્ચે અહીંના ડો. કનારા તથા લેબ ટેક્નિશિયન તન્નાના માર્ગદર્શન હેઠળ રોજ એક-બે સ્ટાફ મેમ્બરો રક્તદાન કરી અને અહીં રક્તનો જથ્થો વધારવામાં મદદરૂપ બને છે. આ સેવાકીય પ્રવૃત્તિ પણ પ્રશંસનીય બની રહી છે.