છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે સંક્રમણ વધે નહીં તે માટે સરકાર દ્વારા હોળી-ધૂળેટીના પર્વમાં નિયત ગાઇડલાઇન રાખવામાં આવી હતી. ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણ ઘટતાં રાત્રી કર્ફયૂ સહિતની અનેક પાબંધીઓ સરકાર દ્વારા ઉઠાવી લેવામાં આવી છે અને તહેવારોની ઉજવણીમાં છૂટછાટ આપવામાં આવી છે. આમ છતાં પિચકારી અને કલરની બજારમાં ભાવ વધારાને કારણે મંદી જોવા મળી રહી છે. આ વર્ષે પિચકારી અને કલરના ભાવમાં 35 ટકાનો વધારો નોંધાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. તેમજ હોળીમાં હોમવા માટે ખજૂર, ધાણી, દાળિયા સહિતની વસ્તુઓ પણ બજારમાં વેચાઇ રહી છે.
હોળી-ધૂળેટીના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. તેમ છતાં પિચકારી અને કલરની બજારમાં વાતાવરણ સુસ્ત જોવા મળી રહ્યું છે. કોરોનાના કારણે માલનું ઉત્પાદન પણ ઓછું થયું છે. જેના કારણે પિચકારી અને કલરના ભાવમાં 35 ટકા જેટલો ભાવવધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. જો કે, આ વર્ષે બાળકો માટેની પિચકારીઓમાં આર્મીમેન, ધોની સહિતની અનેકવિધ વેરાયટીઓ બજારમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત મેટલ બોડી ટેન્કવાળી પિચકારી, બેટમેન સહિતના અનેકવિધ કાર્ટુન કેરેટરવાળી પિચકારીઓ પણ બજારમાં જોવા મળી રહી છે. રૂા. 5 થી રૂા. 600 સુધીના ભાવમાં પિચકારીઓ બજારમાં ઉપલબ્ધ છે.
પિચકારીઓ અને કલર ઉપરાંત હોળીના પર્વ માટે ખજૂર, ધાણી, દાળિયા, પતાશા સહિતની ચીજવસ્તુઓનું પણ બજારમાં આગમન થઇ ચૂકયું છે. હોળીના દિવસે ભક્તો દ્વારા હોળીમાતાની પ્રદક્ષિણા કરી ખજૂર ધાણી હોળીમાં હોમવામાં આવે છે. ત્યારે બજારમાં ધાણી-દાળિયા સહિતની ચીજવસ્તુઓનું પણ આગમન થઇ ચૂકયું છે.