દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડિકોકે ટેસ્ટ ક્રિકેટમાં નિવૃત્તિની જાહેરાત કરી છે. તેનો આ નિર્ણય ચોંકાવનારો છે, કારણ કે ગુરુવારે ભારત સામે રમાયેલી ટેસ્ટ ટીમમાં તે સામેલ હતો. આ ટેસ્ટ ભારતે 113 રને જીતી હતી. પ્રથમ ટેસ્ટ પછી ડિકોક બીજી અને ત્રીજી ટેસ્ટમાં પેટરનિટી લીવ લેવાનો હતો, પરંતુ અચાનક ચાલુ સિરીઝમાંથી તેણે નિવૃત્તિ લઈ લેતાં બધાને નવાઈ લાગી છે, કારણ કે તેણે 29 વર્ષની વયે તેણે ટેસ્ટને અલવિદા કહ્યું છે.
ડિકોકે કહ્યું હતું કે હવે હું મારા પરિવાર સાથે વધારે સમય વિતાવવા માગું છું. આ કારણે મેં ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય લેવો મારા માટે સરળ નહોતો. મેં ઘણું વિચાર્યું અને ભવિષ્યની તમામ ગણતરીઓ કર્યા પછી આ નિર્ણય લીધો છે. ડિકોક ટૂંક સમયમાં જ પિતા બનશે.
ડિકોકે કહ્યું હતું કે મેં વિચાર્યું કે હવે મારે કઈ વસ્તુઓને પ્રાથમિકતા આપવી જોઈએ. સાશા (તેની પત્ની) અને મેં અમારાં બાળકો અને પરિવારનું વિચારીને આ નિર્ણય લીધો છે. મારો પરિવાર મારા માટે બધું છે. હું એવું ઈચ્છું છું કે પરિવાર માટે મારી પાસે સમય હોય અને તેની સાથે હું સારો સમય વિતાવી શકું. જીવનમાં તમે સમયને છોડીને બધું જ ખરીદી શકો છો. મેં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. હવે તે લોકોને ન્યાય આપવાનો સમય, જે મારા માટે ખૂબ જ મહત્વનો છે.