ભારતમાં ઓમિક્રોન વાયરસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, બીજી તરફ મોટી સંખ્યામાં ઓમિક્રોનના દર્દીઓ સાજા પણ થયા છે. આવામાં દેશમાં શું સ્થિતિ છે તે અંગે માહિતી મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજેખ બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં દેશની સ્થિતિ અંગે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
સમાચાર એજન્સીને સૂત્રો દ્વારા મળેલી વિગતો પ્રમાણે આજે સાંજે વડાપ્રધાન મોદી કોરોનાની સ્થિતિને અનુલક્ષીને મહત્વની બેઠક યોજશે. જેમાં પીએમ મોદી એક્સપર્ટ્સ, ડોક્ટરો અને મંત્રીઓ સાથે બેઠક કરી શકે છે. આ બેઠકમાં હાલમાં દેશમાં કોરોનાની શું સ્થિતિ છે અને ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને ભવિષ્ય માટે કેવી રણનીતિ બનાવવી જોઈએ તે દિશામાં પણ ચર્ચા વિચારણ કરી શકે છે.
ઓમિક્રોનની સાથે લોકડાઉનની પણ ચર્ચાઓ થઈ રહી છે, જોકે, હાલ દેશમાં જે સ્થિતિ છે તે પ્રમાણે લોકડાઉન અંગે કોઈ નિર્ણય લેવાય તેવી સંભાવના લગભગ નહિવત છે, આમ છતાં સરકારે રાજ્યોને નાઈટ કર્ફ્યૂ અંગેની જરૂર પડે તો લાગુ કરવાની સૂચના આપી હતી. ઓમિક્રોનની એન્ટ્રી પહેલી દેશમાં કોરોનાની સ્થિતિ મોટા અંશે શાંત થઈ ગઈ હતી, જોકે, કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટની ફેલાવાની ઝડપ અને જે દેશમાં છૂટછાટો આપવામાં આવી છે તેના પર લગામ લગાવવી જરૂરી છે કે નહીં તે અંગે પણ વડાપ્રધાન મોદી અધિકારીઓ અને એક્સપર્ટ્સ સાથે બેઠકમાં ચર્ચા વિચારણા કરી શકે છે.ભારતમાં ઓમિક્રોનના કુલ કેસનો આંકડો 200ને પાર કરીને 213 પર પહોંચી ગયો છે. જેમાં સૌથી વધારે 57 કેસ દિલ્હીમાં છે આ પછી મહારાષ્ટ્ર 54 કેસ સાથે બીજા નંબરે છે અને તે પછી રાજસ્થાન (18), કેરળ (15) અને ગુજરાત (14)નો નંબર આવે છે. આ સિવાયના રાજ્યોમાં કોરોનાના કેસની સંખ્યા સિંગલ નંબરમાં નોંધાઈ છે. જોકે, દિવસેને દિવસે કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં ઓમિક્રોનના 90 દર્દીઓ સાજા થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રજૂ કરેલા આંકડા પ્રમાણે ભારતમાં 24 કલાકમાં વધુ 6,317 કેસ નોંધાયા છે, 318 દર્દીઓના મોત થયા છે અને 6,906 દર્દીઓ સાજા થયા છે. ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ઘટીને 78,190 થઈ ગયો છે. આ 575 દિવસનો સૌથી નીચો આંકડો છે. જ્યારે ઓમિક્રોનના કેસની સંખ્યા 213 થઈ ગઈ છે.