કેન્દ્ર સરકાર આજથી ગામડામાં રહેતી મહિલાઓ માટે એક નવી સેવા શરૂ કરવા જઈ રહી છે. જે અંતર્ગત હવે જરૂર પડ્યે ગ્રામીણ મહિલાઓ કોઈપણ મુશ્કેલી વિના મિનિટોમાં પાંચ હજાર રૂપિયાની વ્યવસ્થા કરી શકશે. તમને જણાવી દઈએ કે આ એક ઓવરડ્રાફ્ટ સુવિધા છે. જેના ઉપયોગથી હવે આ મહિલાઓને મોટી રાહત મળશે. આ સુવિધા ગામડાઓમાં રહેતી મહિલાઓને આપવામાં આવશે.
આ એક પ્રકારની લોન હોય છે. આના કારણે ગ્રાહકો તેમના બેંક એકાઉન્ટમાં રહેલા બેલેન્સ કરતાં વધુ પૈસા ઉપાડી શકશે. આમાં ઉપાડેલી રકમ ચોક્કસ સમયગાળામાં ચૂકવવી પડે છે અને તેના પર વ્યાજ પણ વસૂલવામાં આવે છે. વ્યાજની ગણતરી દૈનિક ધોરણે કરવામાં આવે છે. ઓવરડ્રાફ્ટ સુવિધા કોઈપણ બેંક અથવા નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ કંપની (NBFC) આપી શકે છે.
કેન્દ્ર સરકાર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે. આ સંબંધમાં ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ નાગેન્દ્રનાથ સિંહા આજે 18 ડિસેમ્બરના રોજ, દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ, વેરિફાઈડ મહિલા સ્વ-સહાય જૂથના સભ્યો માટે રૂ.5000 ની ઓવરડ્રાફ્ટ સુવિધા શરુ કરશે.
નાણામંત્રી દ્વારા 2019-20ના બજેટમાં કરવામાં આવેલ જાહેરાત મુજબ, ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન DAY-NRLM હેઠળ દેશના ગ્રામીણ વિસ્તારોમાં મહિલા સ્વસહાય જૂથોના સભ્યોને ઓવરડ્રાફ્ટ સુવિધા પૂરી પાડવાની પ્રક્રિયા શરૂ કરી છે જેથી કરીને તેઓ તેમની કટોકટીના સમયે આ સુવિધાનો લાભ લઇ શકે. આ યોજના હેઠળ દેશની 5 કરોડ મહિલાઓને લાભ મળશે. આ યોજનાનો ઉદ્દેશ્ય સ્વ-સહાય સમૂહો જેવી સામુદાયિક સંસ્થાઓ દ્વારા ગરીબ મહિલાઓને લાભાન્વિત કરવાનો છે. બીજો ધ્યેય તેમને બેંકોમાંથી આવશ્યક ધિરાણ ઉપલબ્ધ કરાવીને તેમના આજીવિકાનો આધાર મજબૂત કરવાનો છે.