દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુરંગા સ્થિત આરએસપીએલ (ઘડી) કંપનીમાં છેલ્લા આશરે દોઢેક વર્ષના સમયગાળા દરમિયાન કંપનીના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા મીલીભગત આચરીને આશરે એક કરોડથી વધુની કિંમતનું સપ્લાય- હેરાફેરી અંગેનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જે સંદર્ભે ચાર શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસમાં થયેલી વિગત મુજબ ખંભાળિયા- દ્વારકા હાઈ-વે પર દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલી આરએસપીએલ કંપની (ઘડી ડિટર્જન્ટ કંપની)માં જરૂરિયાત મુજબ કોલસો, કોક, મીઠું અને લાઇમસ્ટોનની ખરીદી કરવામાં આવે છે. અહીં જે-તે સમયે આરએમએચએસ વિભાગના હેડ તરીકે કામ કરતા મૂળ ભાવનગરના રહીશ એવા જનાર્દન ધીરેન્દ્ર રાજ્યગુરુ વિશાલ રાણા, દક્ષ રામદતી, તથા લેબમાં કામ કરતા ખેરાજ નારુ ગઢવી તેમજ કવોલેટી ચેકિંગ કરતા લેબ ટેક્નિશિયન હિતેશ રામદતી દ્વારા કોક વિક્રેતાઓના જવાબદાર વ્યક્તિઓની મિલીભગતથી કંપનીએ ખરીદ કરેલા કોક અને કોલસાના જથ્થામાં મટીરીયલ્સ નબળું તેમજ કોકની જગ્યાએ કોલસો ઠાલવી, કંપનીમાં એકબીજાને મદદગારી કરી અને ગુનાહિત કાવતરું રચીને મોટો આર્થિક લાભ મેળવવામાં આવતો હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. જે સંદર્ભે કંપનીના સિક્યુરિટી એન્ડ સર્વેલન્સ વિભાગના હેડ એવા મૂળ ઝારખંડ રાજ્યના અને હાલ કુરંગા ખાતે રહેતા અભિષેક નાગેન્દ્રકુમાર દુબે (ઉ.વ. 31) એ ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાવી છે.
કંપની દ્વારા કોકની ખરીદી માટે રૂા.25,000 પ્રતિ મેટ્રિક ટન તથા કોલસા માટે રૂા. 5,000 પ્રતિ મેટ્રિક ટનના આપવામાં આવે છે. જે માટે ગાંધીધામ તથા રાજકોટની પાર્ટીના વિક્રેતાઓ કે કર્મચારીઓ અથવા ટ્રાન્સપોર્ટરોએ સાથે મળી અને સમગ્ર કૌભાંડ આચર્યું છે. કંપનીમાં સપ્લાય કરવામાં આવતા કોકની જગ્યાએ ટ્રકોમાં કોલસો ભરી અને સિક્યુરિટી ગેઈટ અને વે-બ્રીઝ કરાવી અને ખોટી બિલ્ટીઓ બનાવવા ઉપરાંત જુના કોકના જથ્થાનું ફરીથી સેમ્પલિંગ કરાવી અને આખી ગાડી કંપનીમાં ધાબળી દેવામાં આવતી હતી. આમ, ખોટી બીલ્ટીઓ બનાવી અને કોકના બદલે કોલસાની હેરફેર કરી, મીલીભગત કરીને આશરે 25થી 30 ગાડીઓનું કૌભાંડ આચરવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આના કારણે એક ગાડી દીઠ કંપનીને આશરે રૂપિયા ચાર લાખ જેટલી નુકશાની થતાં આશરે રૂપિયા એક કરોડથી વધુનો ચૂનો આ સુવ્યવસ્થિત કૌભાંડમાં કંપનીને લગાડવામાં આવ્યો છે.
થોડા સમય પૂર્વે આ અંગેનો વિવાદ થતાં વિશાલ રાણા અને જનાર્દન રાજ્યગુરૂએ યેન- કેન પ્રકારે આ વિવાદ આટોપી લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે. આટલું જ નહીં, આ કૌભાંડમાં કંપનીમાં કામ કરતા અન્ય કર્મચારીઓને પણ આરોપી શખ્સો દ્વારા પૈસાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ આ કર્મચારીઓએ ઓફર સ્વીકારી ન હતી. આમ, આર.એમ.એચ.એસ.ના હેડ જનાર્દન રાજ્યગુરૂ દ્વારા તેઓની આ કૌભાંડી ટુકડીના મેનેજમેન્ટ કરતા હિતેશ રામદતી, ખેરાજ ગઢવી સાથે મળી લેબની અંદર કોક અને મીઠાના સેમ્પલની હેરાફેરી કરતા વિશાલ રાણાએ કોકની જગ્યાએ કોલસાના ટ્રકોને કોકના રજીસ્ટરમાં એન્ટ્રી કરી, બિલ્ટી-ટપાલો મારફતે 25થી 30 જેટલા ટ્રકોમાં રો-મટીરીયલ્સની અદલાબદલી કરી, ખોટા સેમ્પલિંગ કરી કંપનીને લાખો રૂપિયાની નુકશાની કાર્યાનું જાહેર થયું છે.
આ સમગ્ર બનાવની ફરિયાદ એલસીબી પોલીસને કરાતા પોલીસે જનાર્દન ધીરેન્દ્ર રાજ્યગુરૂ લેબ ટેક્નિશિયન એવા કલ્યાણપુર તાલુકાના માળી ગામના રહીશ ખેરાજ નારુ જામ, તથા ગાંધવી (હર્ષદ) ખાતે રહેતા હિતેશગર કુંવરગર રામદતી અને મૂળ વડોદરાના રહીશ એવા આર.એમ.એચ.એસ. મશીનરી મેન્ટેનસ વિભાગના વિશાલ મનુભાઈ રાણા નામના ચાર શખ્સો સામે ઉપરાંત કોકના જથ્થાના વિક્રેતાઓના જવાબદાર કર્મચારીઓ સામે ધોરણસર ફરિયાદ નોંધી છે.
આ પ્રકરણમાં કંપની કર્મચારી જર્નાદન રાજ્યગુરુ, ખેરાજ નારુ જામ, તથા વિશાલ રાણા હાથવેંતમાં હોવાથી નજીકના ભવિષ્યમાં તેઓની ધરપકડ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. આ બનાવે કંપની વર્તુળો તથા કૌભાંડી કર્મચારીઓમાં દોડધામ સાથે ચકચાર જગાવી છે. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 407, 420, 467, 468, 471 તથા 120 (બી) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.આઈ. પી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.