અમદાવાદ સહિત રાજ્યના અમુક શહેરોમાં ઇંડા સહિતના નોનવેજની લારીઓ હટાવવાની કામગીરી સામે ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ બિરેન વૈષ્ણવે સરકારને પ્રશ્ન કર્યો હતો કે લોકોએ બહાર શું ખાવું તે નક્કી કરનારા તમે કોણ? જો કે કોર્પોરેશને રજૂઆત કરી હતી કે નોનવેજની લારીઓ સામે નહીં પરંતુ રસ્તાઓ પરના દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત જે લોકોની લારી અને સામાન જપ્ત કરવામાં આવ્યા છે તેમને નિયમ મુજબ મુક્ત કરવાની બાંયધરી આપવામાં આવતા રિટનો નિકાલ કરવામાં આવ્યો હતો.
રિટ મુદ્દે સુનાવણી દરમિયાન જસ્ટિસ બિરેન વૈષ્ણવે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે કોઇને નોનવેજ ફૂડ નથી ગમતું તો એ તેમની પસંદગીનો વિષય છે. તમે કેવી રીતે નક્કી કરી શકો કે લોકોએ બહાર શું ખાવું? લોકોને જે ખાવું છે. દબાણ હટાવવાના નામે તમે માત્ર નોનવેજની લારીઓ અને તે ચલાવતા લોકોને પકડી રહ્યા છે. એક તબક્કે હાઇકોર્ટે મ્યુનિસિપલ કમિશનરને કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ કરવાનું વલણ અપનાવ્યું હતું. ત્યારબાદ કોર્ટે વધુ સુનાવણી બપોર પછી નિયત કરી હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલને હાજર થવા સૂચના આપી હતી. ત્યારે પણ કોર્ટે કહ્યું હતું કે આવતીકાલે તમે એમ કહેશો કે આજથી કોઇ શેરડીનો રસ નહીંપીવે કારણ કે તેના લીધે ડાયાબિટિસ થાય છે અથવા આજથી કોઇ કોફી નહીં પીવે, કારણ કે તે સ્વાસ્થય માટે નુકસાનકારક છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આ પિટિશન ગેરસમજના કારણ થઇ છે. નોનવેજની સારીઓ કે સ્ટોલ સામે કાર્યવાહીનો કોઇ હેતુ કોર્પોરેશનનો નહોતો.રસ્તાઓ પરના દબાણના હટાવવા અને ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા આ કામગીરી કરવામાં આવી હતી. જેથી કોર્ટે ફરી ટકોર હતી કે પ્રામાણિકતાથી જવાબ આપો, વસ્ત્રાપુર તળાવની ફરતે ઇંડાની વાનગીઓ વેચતી લારીઓ હતી, સત્તામાં રહેલા પક્ષે નક્કી કર્યુ કે કોઇ લારીમાં ઇંડા ન વેચવા જોઇએ અને તેમને ત્યાંથી દૂર કરાયા. કોર્પોરેશનના કમિશનરને કહો કે તેઓ હાજર રહે અને આવી રીતે માત્ર ઇંડાની લારીઓને જ શા માટે દૂર કરાઇ તેનો જવાબ આપવામાં આવે.
અરજદારો તરફથી રજૂઆત કરાઇ હતી કે આ ઝુંબેશ રાજકોટથી શરૃ થઇ હતી અને અમદાવાદ સુધી પહોંચી છે. તંત્ર સ્વચ્છતાનું કારણ આપી રહ્યું છે પરંતુ પાણીપુરી સહિતની વાનગીઓ વેચતી ઘણી લારીઓ પર સ્વચ્છતા જોવા મળતી નથી. તેથી સ્વચ્છતાના નામે માત્ર નોનવેજી સારીઓ સામે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે એક સમયે કોર્પોરેશ અને નેતાઓ એવી જાહેરાત સાથએ જ કાર્યવાહી શરૂ કરી હતી કે નોનવેજની લારીઓને હટાવવામાં આવશે. જો કે આજે કોર્પોરેશને કોર્ટ સામે સત્તાવાર રીતે એવો જવાબ આપ્યો હતો કે દબાણ કરતી તમામ લારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.