સીડીએસ બિપિન રાવતના નિધનને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ નિવાસ સ્થાને સાંજે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, અજિત દોભાલ વગેરે હાજર રહ્યા હતા. એવા અહેવાલો છે કે આગામી સીડીએસ માટે કોને પસંદ કરવા તે મુદ્દે ચર્ચા થઇ હતી જ્યારે રાવત અને અન્ય મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. હાલની સ્થિતિ મુજબ સિનિયોરિટી પ્રમાણે દેશના આગામી સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ તરીકે સૈન્ય વડા જનરલ એમએમ નરવણે દાવેદારીમાં મજબૂત સ્થાન પર છે. ચીફ ઓફ ડિફેંસ સ્ટાફને સૈન્યની ત્રણેય પાંખની જવાબદારી સોપવામાં આવે છે. તેથી આ એક મોટો હોદ્દો માનવામાં આવે છે. સૈન્ય વડા નરવણે 60 વર્ષની વયના છે અને અનુભવના હિસાબે પણ તેઓ આ પદ માટે પ્રથમ ક્રમે માનવામાં આવે છે.