- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા ચાર તાલુકાઓમાં 19 ડિસેમ્બરના રોજ યોજાનાર 156 ગ્રામ પંચાયતની સામાન્ય તથા 18 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સોમવારે ફોર્મ ચકાસણી બાદ ગઈકાલે ફોર્મ પરત ખેંચાયા બાદ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં કુલ 28 ગ્રામ પંચાયત સમરસ બની છે. અને 128 ગ્રામ પંચાયત માટે મતદાન થશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુરમાં તથા દ્વારકા તાલુકાની 156 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં સરપંચ પદ માટે 629 ફોર્મ તથા સભ્ય પદ માટે કુલ 2628 ફોર્મ ભરાયા હતા. જ્યારે સોમવારે ફોર્મ ચકાસણીમાં સરપંચ પદનું એક તથા સભ્યપદના 9 ફોર્મ રદ્દ થતા અનુક્રમે 628 તથા 2619 ફોર્મ માન્ય રહ્યા હતા.
આ બાદ ગઈકાલે મંગળવારે ફોર્મ પરત ખેંચવાના દિને સરપંચ તથા સભ્યપદ માટે ખંભાળિયામાં અનુક્રમે 121 અને 46 ફોર્મ, ભાણવડ તાલુકામાં 31 અને 17 ફોર્મ, કલ્યાણપુર તાલુકામાં અનુક્રમે 70 અને 40 ફોર્મ જ્યારે દ્વારકામાં સરપંચ પદના 37 અને સભ્યપદના 26 ફોર્મ પરત ખેંચાયા છે.
આમ, ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં ખંભાળિયા તાલુકામાં સરપંચ પદ માટે 171 અને સભ્યપદ માટે 971 ઉમેદવારો, ભાણવડ તાલુકામાં સરપંચ પદ માટે 54 અને સભ્યપદ માટે 315 ઉમેદવારો, કલ્યાણપુર તાલુકામાં સરપંચ પદ માટે 84 અને સભ્યપદ માટે 529 ઉમેદવારો, દ્વારકા તાલુકામાં સરપંચ પદ માટે 32 અને સભ્યપદ માટે 198 ઉમેદવારો મળી, ચાર તાલુકાની 128 ગ્રામ પંચાયત માટે 341 સરપંચ અને 2013 સભ્યપદના ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ ખેલાશે. જ્યારે જિલ્લાની 18 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી પણ તા. 19 ના રોજ થશે. જે અંગે હવે કડકડતી ઠંડીમાં પ્રચારના ધમધમાટનો ગરમાવો બની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગ્રામ પંચાયતમાં કુલ 1,54,863 પુરુષ મતદારો અને 1,44,525 સ્ત્રી મતદારો તથા 5 અન્ય મળી, કુલ 2,99,393 મતદારો છે. જિલ્લામાં આ ચૂંટણી કાર્ય સુપેરે સંપન્ન થાય તે માટે કુલ 40 ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે.
સમરસ જાહેર થયેલી ગ્રામ પંચાયત
ખંભાળિયા તાલુકાના દાત્રાણા, પરોડિયા, ભારા બેરાજા, માંઝા, બજાણા, કંડોરણા, પીર લાખાસર અને ભટ્ટગામ ગ્રામ પંચાયત જ્યારે ભાણવડ તાલુકામાં ઝરેરા, હાથલા, મોરઝર, મોટા કાલાવડ, વિજયપુર, ઘુમલી મેવાસા અને ગુંદલા ગામો કલ્યાણપુર તાલુકાના ગાંગડી, રણજીતપુર, જોધપુર અને વીરપુર લુસારી ગામો તેમજ દ્વારકા તાલુકાના ચરકલા, કોરાડા, મેરીપુર, નવી ધ્રેવાડ, કલ્યાણપુર, મેવાસા અને વાંચ્છુ ગામો મળી કુલ 28 ગામોને સમરસ જાહેર કરાયા છે.
- Advertisement -