‘દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝ હોલિનેસ ડો. સૈયદના અબુલ કાઈદ જોહર મોહમ્મદ બુરહાનુદ્દીનના 111મી મિલાદ મુબારક (જન્મજયંતિ) મહોત્સવ તથા વર્તમાન 53મા સર્વોચ્ચ ધર્મગુરૂ હીઝ હોલિનેસ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના 78મા જન્મદિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા હતા, અને તેમના જન્મદિનની પૂર્વસંધ્યાએ શુભેચ્છા પાઠવીના આશીર્વાદ મેળવ્યાં હતા. ડો. સૈયદનાજીએ મુખ્યમંત્રીનું શાલ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માન કર્યું હતું.
સુરતના ઝાંપા બજારના દેવડી ખાતે મિલાદ મહોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલી પ્રોસેશન(મોકીબ)નું ડો.સૈયદના સાહેબ તેમજ મુખ્યમંત્રીએ અભિવાદન ઝીલ્યું હતું. દેશના અલગ અલગ વિસ્તારોથી આવેલા દાઉદી વ્હોરા સમાજના રપ જેટલા બેન્ડે મધુર સુરાવલિ છેડીને આકર્ષણ જમાવ્યું હતું. સૈફી સ્કાઉટ, બુરહાની ગાર્ડ, તાહેરી બેન્ડ, બાઈક રાઈડર્સ, સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ભવ્ય પ્રોસેશનમાં દેશ-વિદેશમાંથી વ્હોરા સમાજના હજારો અનુયાયીઓ ઉમટી પડયા હતા. આ અવસરે વોહરાવાડની તમામ શેરીઓ, તમામ મકાનો રોશની તથા તોરણો અને ડેકોરેટિવ વીજ શણગારથી ઝળહળી ઉઠયા હતા. મિલાદ મુબારક ઉત્સવમાં કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ, ધારાસભ્ય અરવિંદ રાણા, વિવેક પટેલ, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, સહિત દેશ-વિદેશમાંથી આવેલા દાઉદી વ્હોરા સમાજના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.