ભારતના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને આઈસીસીમાં પણ મહત્વની જવાબદારી મળી છે. ગાંગુલીને આઈસીસીની મેન્સ ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે.આ પહેલા અનિલ કુંબલે આ કમિટિના અધ્યક્ષ હતા.કમિટીના અધ્યક્ષનો 3 વર્ષનો કાર્યકાળ હોય છે.જોકે કુંબલેએ ફરી વખત આ હોદ્દો સંભાળવાની ના પાડી હતી. મેન્સ ક્રિકેટ કમિટિ દ્વારા ક્રિકેટને લગતા કાયદા બનાવવાની કે સુધારા વધારા કરવાની કામગીરી કરાતી હોય છે.કુંબલેના કાર્યકાળમાં ડીઆરએસનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.કોરોના કાળમાં ક્રિકેટને લગતા નિયમોમાં પણ આ જ કમિટિએ બદલાવ કર્યો હતો.
દરમિયાન આઈસીસીના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ કહ્યુ હતુ કે, સૌરવ ગાંગુલી દુનિયાના શ્રેષ્ઠ ક્રિકેટરોમાં સામેલ રહી ચુકયા છે અને એ પછી ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે પણ તેઓ ફરજ બજાવી રહ્યા છે.તેમનો ક્રિકેટ અને વહિવટકર્તા તરીકેનો અનુભવ આઈસીસીને કામ લાગશે. આઈસીસી દ્વારા હલે મહિલા ક્રિકેટ માટે પણ આ જ પ્રકારની એક કમિટિ બનાવવામાં આવી છે. સાથે-સાથે અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ તેની ક્રિકેટ પરિસ્થિતિઓની સમીક્ષા કરવા માટે પણ એક ગ્રુપ બનાવવામાં આવ્યુ છે.