દાયકાઓ અગાઉ ભારતમાં ગુનાખોરીનું હબ ગણાતા ખંભાળિયા તાલુકાના નાના એવા સલાયા પંથકમાં થોડો સમય કોઈ નોંધપાત્ર અસામાજિક પ્રવૃત્તિ પ્રકાશમાં આવી ન હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સલાયા પંથક વધુ એક વખત ગુનાખોરીના ચોપડે ચડ્યું છે. આજથી આશરે ત્રણેક વર્ષ પૂર્વે કરોડો રૂપિયાનું ડ્રગ્સ સલાયા પંથકમાંથી એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ગત સપ્તાહમાં ખંભાળિયા તથા સલાયા વિસ્તારમાંથી વધુ રૂપિયા 315 કરોડનું 63 કિલો જેટલું ડ્રગ્સ ઝડપાતા આ પ્રકરણથી દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
આ પ્રકરણમાં તંત્ર દ્વારા ચાલી રહી રહેલી કામગીરી તથા ઝડપાયેલા આરોપીઓના તારીખ 20 સુધીના હાલ ચાલી રહેલા રિમાન્ડ દરમિયાન ગઈકાલે મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામેથી રૂપિયા 600 કરોડની કિંમતનું 120 કિલોગ્રામ હેરોઈન ઝડપાયું હતું. જેમાં ખંભાળિયા તાલુકાના સલાયા ગામના એક શખ્સ મળી ત્રણ શખ્સોને એટીએસ વિભાગે દબોચી લીધા હતા.
એટીએસ વિભાગના ઓપરેશન દરમિયાન પાકિસ્તાનથી ઓક્ટોબર માસમાં દરિયાઈ માર્ગે સલાયામાં ઉતારવામાં આવેલા ડ્રગ્સના તોતિંગ જથ્થાને સલામતી સાથે ઝીંઝુડા ગામે પહોંચાડી, છૂપાવવામાં આવ્યાના પ્રકરણમાં પોલીસે મુખ્તારહુશેન ઉર્ફે જબ્બર હાજી નૂરમોહમ્મદ રાવ તથા ઝિંઝૂડા ગામના સમસુદ્દીન હુસેનમીયા સૈયદ અને ખંભાળિયા તાલુકાના સલાયાના ગુલામહુસેન ઉમર ભગાડ નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
મોરબી ડ્રગ્સ પ્રકરણમાં સલાયાના આરોપી ગુલામ હુસેન ભગાડ અંગે હિસ્ટ્રી મેળવવા માટે એટીએસ વિભાગના અધિકારીઓનું ગઈકાલે ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આગમન થયું હતું અને એટીએસ વિભાગ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા સલાયા ખાતે ગુલામહુસેનના મકાન તથા અન્ય સગા-સંબંધીઓને ત્યાં ચેકિંગ તથા પૂછપરછ અંગેની કાર્યવાહી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી ડ્રગ્સ પ્રકરણના તાર ખંભાળિયામાં ઝડપાયેલા ડ્રગ્સ સાથે સંકળાયેલા છે કે નહીં તે બાબત પણ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. જે આગામી સમયમાં સ્પષ્ટ થશે.
આ વચ્ચે ખંભાળિયા ડ્રગ્સ પ્રકરણના મુખ્ય સૂત્રધાર એવા સલાયાના કારા બંધુઓ તથા ડ્રગ્સને મુંબઈ તરફ લઈ જનાર સજ્જાદ ધોસી જોશી કારા બંધુઓ વતી પાકિસ્તાનની દરિયાઈ સરહદથી સલાયા સુધી ડ્રગ્સનો જથ્થો સલામત રીતે પહોંચાડનારા જસરાયા બંધુઓ હાલ તારીખ 20 સુધી રિમાન્ડ પર છે. તેની તપાસ પણ ગુપ્તતા પૂર્વક ચાલી રહી છે. આ વચ્ચે આ પ્રકરણમાં તોતિંગ રકમની આર્થિક લેવડ-દેવળની દિશામાં પણ પોલીસ દ્વારા પૂછપરછ સહિતની કામગીરી કરવામાં આવી હતી. આગામી સમયમાં પોલીસ દ્વારા વધુ કેટલાક મુદ્દે ઘટસ્ફોટ કરાય તો પણ નવાઈ નહીં.
આ ડ્રગ્સ કાંડના મૂળિયા સુધી પહોંચવા જિલ્લા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.