Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયામાં સુષુપ્ત અવસ્થામાં રહેલા વિકાસકાર્યો સંદર્ભે પાલિકાના સત્તાવાહકોની બેઠક યોજાઇ

ખંભાળિયામાં સુષુપ્ત અવસ્થામાં રહેલા વિકાસકાર્યો સંદર્ભે પાલિકાના સત્તાવાહકોની બેઠક યોજાઇ

જુદા-જુદા વિસ્તારોમાં આરાઘ્ય દેવોની પ્રતિમા પ્રસ્થાપિત કરાશે

- Advertisement -

ખંભાળિયા પાલિકામાં થોડા સમય પૂર્વે નગરપાલિકાની નવી બોડી પ્રસ્થાપિત થયા બાદ શહેરમાં ખાસ કોઈ વિકાસ કાર્યો ઊડીને આંખે વળગે તેવા થયા નથી. ખંભાળિયામાં રસ્તા-ગટર જેવા પાયાના પ્રશ્ર્નો હજુ યથાવત છે અને વર્તમાન બોડીમાં પણ કેટલાક સભ્યો વરચે આંતરિક મતભેદ ખુલીને સામે આવ્યા છે. ત્યારે હવે થાળે પડતી પરિસ્થિતિ વચ્ચે શહેરમાં વિકાસકાર્યો થવા જોઈએ તેવી આગેવાનોની ઈચ્છા વચ્ચે પાલિકાના હોદ્દેદારો-સદસ્યોની એક મિટિંગ યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

- Advertisement -

છેલ્લા અઢી દાયકાથી ખંભાળિયા નગરપાલિકામાં ભાજપનું શાસન છે અને ગત ચૂંટણીમાં 28 પૈકી 26 સભ્યો સાથે તોતિંગ બહુમતી ભાજપને મળી છે. છતાં પણ છેલ્લા ઘણા સમયથી એક પણ નોંધપાત્ર વિકાસ કામ શહેરમાં થયું નથી. શહેરમાં નગરજનોને વધુ સુવિધાઓ સાથે વર્તમાન બોડીને ભવિષ્યમાં લોકો યાદ કરે તે હેતુથી જિલ્લા ભાજપ પ્રમુખની આગેવાની હેઠળ નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જીગ્નેશભાઈ પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેન હિનાબેન હિતેન્દ્રભાઈ આચાર્ય તેમજ અન્ય સદસ્યો અને આગેવાનો સાથે એક બેઠક યોજવામાં આવી હતી.
ખંભાળિયા-જામનગર માર્ગ પર શહેરના પ્રવેશદ્વાર નજીક તાજેતરમાં રાજપુતોના પૂજનીય મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા નગરપાલિકા દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ જ રીતે લોકોને સત્કાર્યો માટે પ્રેરણા મળે તે હેતુથી શહેરના અન્ય વિસ્તારોમાં પણ રઘુવંશી જ્ઞાતિના આરાધ્ય દેવ જલારામબાપા, બ્રહ્મ સમાજના પૂજનીય પરશુરામ, આહીર જ્ઞાતિના દેવાયત બોદર વિગેરેની પ્રતિમા સ્થાપિત કરવા નક્કી કરવામાં આવ્યું છે.

પ્રતિમા અંગે શહેરના રઘુવંશી સમાજ, બ્રહ્મસમાજ, સમસ્ત સતવારા સમાજ વિગેરે આગેવાનો સાથેની મિટિંગ બાદ પ્રતિમાઓનું સમગ્ર આયોજન હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ જ રીતે શહેરના વિવિધ રસ્તાઓનું નામકરણ કરવાના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં પોરબંદર તરફના પ્રવેશમાર્ગ પાસેના ખામનાથ પુલનું નવનિર્માણ તેમજ મહત્વની એવી ઘી નદીમાં ઠાલવવામાં આવતું ગટરનું પાણી અટકાવવા, વર્ષો પહેલા બનાવવામાં આવેલી અને જેના ઉપર અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભૂગર્ભ ગટર યોજના કાર્યાન્વિત કરવા, શહેરમાં પખાડાથની ગ્રાન્ટનો ઉપયોગ વિકાસ કાર્યો માટે કરવા, છેલ્લા આશરે પાંચેક વર્ષથી નવું નિર્માણ પામેલા અને બંધ રહેલા જોધપુર ગેઈટ શોપિંગ સેન્ટર દુકાનોની તેમજ પોરગેઈટ પાસે આવેલી શાક માર્કેટના ગાલાઓની હરાજી કરવી, રોડ રસ્તાના કામો હાથ ધરવા, પાલિકા કચેરીમાં ખાલી રહેલી અને મહત્વની કાયમી કર્મચારીઓની જગ્યાઓ ભરવી, વિગેરે મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરની આગવી ઓળખ સમાન રિવરફ્રન્ટ યોજનાની ગ્રાન્ટ મેળવવાના મુદ્દે પણ રજૂઆતો તથા ચર્ચાઓ થઇ હતી.

ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા વીસ ફૂટના ઘી ડેમમાંથી સિંચાઈ માટે પણ અડધો-અડધ પાણી ફાળવવામાં આવે છે. હાલ શહેરના વધતા જતા વ્યાપ અને વિસ્તારના કારણે શહેર માટે દસ ફૂટ પાણી અપૂરતું ગણાય છે. જેથી વર્ષોથી એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે મોટાભાગે ઘી ડેમ ઓવરફ્લો થાય છે અને હજારો કયુસેક પાણી વ્યર્થ રીતે દરિયામાં વહી જાય છે. આ મુદ્દે હર્ષદપુર વિસ્તારમાં સલાયા તરફ જતા માર્ગે વધુ એક ડેમની અનિવાર્ય જરૂરિયાત અંગે અવારનવાર રજૂઆતો છતાં પણ આ અંગે કોઈ નક્કર કાર્યવાહી થઇ નથી. આ મુદ્દો પણ આગેવાનો દ્વારા તાકીદે લક્ષ્યમાં લેવામાં આવે, તેમ આ વિસ્તારની જનતા ઈચ્છી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular