જામનગરમાં ધનતેરસના દિવસે ગત્વર્ષના પ્રમાણમાં સોના-ચાંદીની મોટાપાયે ખરીદી થવાથી વેપારી વર્ગની દિવાળીના સારા શુકન થયા હતા. જામનગરમાં તહેવારની ધરાકીને કારણે શહેરના ચાંદી બજારમાં અને અન્ય વિસ્તારોમાં આવેલાં જવેલર્સના શો રૂમમાં સોનાની આઇટમોની મધ્યમ અને ચાંદીની આઇટમોની ખરીદી વધુ થઇ હતી. સોના-ચાંદીના દાગીના, ડાયમંડ જવેલરીની ખરીદી માટેનું હબ ગણાતા જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં સોના-ચાંદીની નાની દુકાનોથી માંડીને વિશાળ શો-રૂમો પણ આવે છે. આજે ધનતેરસ નિમિતે શુકનવંતી ખરીદીને ધ્યાને લઇને સામાન્ય રીતે 11 વાગ્યા આસપાસ ચાલુ થતી સોની બજારની દુકાનો સવારે 9 વાગ્યા પછી ખુલ્લી ગઇ હતી. સવારથી ગામડાની ધરાકી શરૂ થયા બાદ સાંજના ભાગે શહેરની ધરાકી નીકળી હતી. સોનાના ભાવોને જોતાં કોરોના કાળ પહેલાના વર્ષોના પ્રમાણમાં મધ્યમ ધરાકી હોવાનું અને સોના ઉપરાંત અન્ય ઇમીટેશન-જવેલરીની ધરાકીનું પ્રમાણ વધુ હોવાનું જોવા મળ્યું હતું. શહેરમાં પીએન.માર્ગ પર આવેલા નવનીત, વિશાલ, મુરલીધર, મનાલી, પટેલકોલોની, રણજીતનગર, સત્યમકોલોની રોડ જેવા વિસ્તારોમાં આવેલા જવેલર્સની દુકાનો પર ધનતેરસની વિશેષ ધરાકી જોવા મળતાં સોની વેપારી વર્ગમાં દીવાળી સુધરી હોવાનો ઉમંગ છવાયો હતો.