સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી પ્રકરણમાં ભલામણ કરતા ભાજપી સિન્ડિકેટ સભ્યો ફરી વિવાદમાં આવ્યા છે. યુનિવર્સિટીને ગુનેગાર મુક્ત બનાવવાના કુલપતિના યશસ્વી કાર્યમાં ભાજપની સાથે કોંગ્રેસના સભ્યો પણ વિરોધમાં ઉતર્યા છે. રાજ્યપાલે મંજૂર કરેલો સ્ટેચ્યુટ -187 એવું કહે છે કે ગુનેગારો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક પણ ચૂંટણી નહિ લડી શકે. જોકે તેનો અમલ આગામી સેનેટ ઈલેક્શનમાં ન થાય તે માટે ભાજપ કોંગ્રેસના સભ્યો ધમપછાડા કરી રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત તા.14/08/2019 ના ઠરાવ ક્રમાંક 60 અને તા.07/12/2019 ની સેનેટના ઠરાવ ક્રમાંક 9 મુજબ ભાજપના સભ્ય ડો.મેહુલ રૂપાણીના પ્રસ્તાવથી સ્ટેચ્યુટ -187 મંજૂર થયો હતો. જે રાજ્યપાલની મંજૂરીથી કાયદો પણ બની ગયો છે. જે પ્રમાણે TADA, PASA, NDPS, ARMS ACT, MONEY LAUNDRING, પરીક્ષામાં કોપીકેસમાં કે ડમી વિદ્યાર્થી બેસાડવાના ગુનામાં આવી ચૂક્યા હોય તેવા એક પણ સભ્યો કોઈ ચૂંટણી નહિ લડી શકે. ગત સિન્ડિકેટમાં પણ આ સ્ટેચ્યુટનો અમલ અટકાવી દેવાયો હતો અને હવે સેનેટની ચૂંટણીમાં પણ તેનો અમલ ન થાય તે માટે કુલપતિ પર જબરું દબાણ થઇ રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુનાખોરીથી દૂર રાજયની પ્રથમ વિશ્વવિદ્યાલયનું બહુમાન પ્રાપ્ત કરે તેમાં પણ ભાજપ કોંગ્રેસના સભ્યો અડખીલીરૂપ બની રહ્યા છે. ચર્ચા એ પણ છે કે સ્ક્રીનશોટ વાયરલ થયા તેમાના બે સભ્યો દ્વારા પરિપત્રનો અમલ ન કરાવવા સોમવારે સાંજે કુલપતિ પર જબરું દબાણ કરાયું હતુ.
જો યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીમાં સ્ટેચ્યુટ -187 નો અમલ થાય તો સેનેટની રજીસ્ટ્રડ ગ્રેજ્યુએટની સીટમાં આર્ટસમાં રાજભા જાડેજા ઈલેક્શન નહિ લડી શકે. કારણકે તે અગાઉ પાસામાં ધકેલાઈ ચૂક્યા છે. જયારે પરફેર્મિંગ આર્ટસમાં વિવેક હિરાણી અગાઉ પરીક્ષામાં ડમીઉમેદવાર બેસાડવાના ગુનામાં આવી ગયા હોવાથી તેઓ પણ ઈલેક્શન નહિ લડી શકે.
ગુનેગારો ચૂંટણી ન લડી શકે તેવા સ્ટેચ્યુટ -187માં ઈલેક્શન લડતા ઉમેદવારો ગુનેગાર છે કે નહિ તેનું વેરીફ્ીકેશન કોણ કરશે અને તેમાં કોનું સર્ટીફ્ીકેટ જોઇશે તે માટે અગ્ર સચિવનું માર્ગદર્શન માંગતો સ્મૃતિપત્ર ગત તા.13/10 ના જ લખાયો છે. એમ ડો.નિતીન પેથાણી (કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)એ જણાવ્યું છે.
કોંગ્રેસ તથા ભાજપા ઇચ્છે છે કે, યુનિવર્સિટીમાં ‘ગુનેગારો’ ચૂંટણી લડે!
ગુજરાતમાં શિક્ષણનું અધ:પતન આગળ વધ્યું !