Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતકચ્છની સીમાએ BSFનો ગદ્દાર ઝડપાયો

કચ્છની સીમાએ BSFનો ગદ્દાર ઝડપાયો

- Advertisement -

- Advertisement -

સીમા સુરક્ષા દળમાં ફરજ બજાવતા એક કાશ્મીરી જવાનને જાસૂસીના આરોપ તળે રાજ્ય પોલીસના ત્રાસવાદ વિરોધી દળ (એટીએસ) દ્વારા સોમવારે કચ્છમાં ઝડપી લેવાતાં દેશભરમાં ચકચાર જાગી છે. કાશ્મીરી યુવાનોને મુખ્યધારામાં લાવવા માટે લશ્કર સહિતના વિવિધ સલામતી દળોમાં ભરતી કરવાની સરકારની પ્રોત્સાહક યોજના પર સવાલ ઊભા કરે એવા આ ચોંકાવનારા બનાવમાં બે મહિના અગાઉ કચ્છ બદલીને આવેલી સીમાદળની ગાંધીધામ સ્થિત બટાલિયનના આ જવાન સજ્જાદ મહંમદ ઇમ્તીયાઝ લાંબા સમયથી દળની ગુપ્ત માહિતી સીમાપાર પાકિસ્તાનને મોકલાવતો હોવાની હકીકતને ધ્યાનમાં લઇને તેને કેન્દ્રિય એજન્સીઓ દ્વારા બારીકાઇભરી નજર તળે રખાયો હતો અને એટીએસને અપાયેલી માહિતી અને સૂચના તળે તેની અટકાયત કરાઇ છે.

દેશભરમાં ભારે ચકચાર જગાવનાર આ બનાવથી સલામતી અને ગુપ્તચર એજન્સીઓ હરકતમાં આવી ગઇ છે. આ ચોંકાવનારાં પ્રકરણમાં ઝડપાયેલા જવાનની ધરપકડ દર્શાવીને તેની રિમાન્ડ મેળવાશે તે પછી વધુ હકીકતોનો પર્દાફાશ થશે, પરંતુ સત્તાવાર રીતે જાહેર કરાયેલી પ્રાથમિક વિગતો પણ એટલી જ ગંભીર જણાય છે.

- Advertisement -

ભુજ સ્થિત બીએસએફના હેડકવાટર્સથી ગાંધીધામમાં ફરજ બજાવતા જમ્મુ એન્ડ કાશ્મીરના રાજૌરી જિલ્લાના મંજાકોટ તાલુકાના સરુલા ગામના સજજાદ મહંમદ ઈમ્તીયાઝને જાસૂસી સબબ ગુજરાત આતંકવાદ વિરોધી દળે ઝડપી લીધો છે. ગાંધીધામની સીમા સુરક્ષા દળની 74 બટાલિયનની ‘એ’ કંપનીમાં ત્રિપુરાથી બે માસ પૂર્વ ફરજ પર આવેલો જવાન બીએસએફની ગુપ્ત માહિતી પડોશી દેશને પહોંચાડી જાસૂસી કરતો હોવાનાં પગલે આજે એટીએસએ ભુજમાંથી તેને ઝડપી લીધો છે. આ ઘટનાનાં પગલે દેશની સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે.

આ સમગ્ર બાબત અંગે ગુજરાત આતંકવાદ વિરોધી દળના નાયબ પોલીસ અધીક્ષક બલવંતસિંહ એચ. ચાવડાએ પત્રકારોને વિગતો આપતાં જણાવ્યું હતું કે, સજ્જાદની 2012માં બીએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થઇ હતી. સજ્જાદ પાસે બે મોબાઇલ અને બે સિમ હતા જેના દ્વારા તે છેલ્લા પાંચ-છ વર્ષથી દળની ગુપ્ત માહિતીઓ પડોશી દેશ પાકિસ્તાનને પૈસાના બદલામાં મોકલતો હતો. થોડા સમયથી તેની ગતિવિધિ પર સુરક્ષા સંબંધિત ગુપ્તચર શાખાના રડારમાં આવ્યા બાદ તેની હરકતો પર ચાંપતી નજર હતી. ત્રિપુરાથી બે માસ પૂર્વે જ બદલીને ગાંધીધામ આવેલા સજ્જાદને એટીએસે પકડી લીધો છે.

- Advertisement -

ચાવડાએ આ સનસનીખેજ જાસૂસી કેસ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સજ્જાદ પાસે જે સિમકાર્ડ છે તેના આઇડી પ્રૂફ તરીકે વપરાયેલા આધાર કાર્ડમાં તેની જન્મ તારીખ 1-1-92 દર્શાવી હતી. જ્યારે તેના પાસપોર્ટમાંની જન્મ તારીખ 30-1-85 દર્શાવી છે. આ જ પાસપોર્ટના આધારે સજ્જાદ બી.એસ.એફ.માં ભરતી પૂર્વે 1-12-11ના અટારીથી ટ્રેન મારફત પાકિસ્તાન ગયો હતો. અને ત્યાં 46 દિવસ રોકાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, બી.એસ.એફ.માં સજ્જાદ ભરતી થયો ત્યારે તે ઓવરએજ હતો. આમ છતાં તેણે આ કોઠો કઇ રીતે પાર કર્યો તે અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. તો એવી પણ શંકા વ્યક્ત થઈ રહી છે કે, અમુક આતંકવાદી સંગઠનો આવી રીતે ભારતીય સેનામાં પલળેલા શખ્સોની ભરતી કરાવી જાસૂસી તેમજ દેશમાં ભાંગફોડની કુચેષ્ટા સેવી રહ્યા છે.

સજ્જાદ બી.એસ.એફ. સબંધિત અને તેના અધિકારીઓ કામગીરી સહિતની માહિતી દુશ્મન દેશને આપતો હતો અને જેના બદલામાં તેના ભાઇ વાજીદ તથા તેની સાથે નોકરી કરતા મિત્ર ઇકબાલ રસીદના ખાતામાં પૈસા જમા કરાવી મેળવતો હતો.

સજ્જાદ પાસેના મોબાઇલમાં ત્રિપુરાના સત્યગોપાલ ઘોષનો સિમકાર્ડ તા. 7-11-20ના એકટીવ થયો હતો અને તા. 15-1-21ના વોટસએપ એકટીવ માટેનો ઓટીપી આવતાં તે ઓટીપી પાકિસ્તાન મોકલી દેવાયો હતો અને વોટસએપ પાકિસ્તાનમાં હજુ ચાલુ છે. સજ્જાદની પ્રાથમિક પૂછતાછમાં છેલ્લા પાંચ-છ વર્ષથી તે જાસૂસી કરતો હોવાનું સામે આવ્યું હોવાનું ચાવડાએ જણાવ્યું હતું. એ.ટી.એસ.ના એસ.પી. ઇમ્તીયાઝ શેખ તથા ડી.વાય.એસ.પી. ચાવડા તથા પી.આઇ. વી.બી. પટેલે સજ્જાદની ગુપ્ત વિગતો જાણી તેને દબોચી લીધો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular