ઇંગ્લેન્ડના પ્રખ્યાત ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડના માલિકોએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ટીમ ખરીદવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે. આ કારણોસર બીસીસીઆઇએ 21 સપ્ટેમ્બરે સૂચના આપી હતી કે તેઓ આઇપીએલ ટીમો માટે ટેન્ડરપ્રક્રિયાની તારીખો આગળ વધારી રહી છે. આઇપીએલ 2022માં 2 નવી ટીમ જોડાશે, જેથી કુલ ટીમોની સંખ્યા 10 થઈ જશે.
આ મામલે એક સૂત્રે સમાચાર એજન્સી એએનઆઇ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે માન્ચેસ્ટર યુનાઈટેડના માલિકોએ આઇપીએલમાં ટીમ ખરીદવા મુદ્દે ઇચ્છા વ્યક્ત કરી છે. વિશ્ર્વસનિય સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે હા, આ સાચું છે કે માન્ચેસ્ટર યુનાઈટેડ આઇપીએલ ટીમ ખરીદવા માટે ઇચ્છુક છે. આ પણ એક કારણ થઈ શકે છે, જેને પરિણામે બીસીસીઆઇ એ ટેન્ડરની તારીખ આગળ વધારવાનો નિર્ણય લીધો હોય.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હવે આઇપીએલ માત્ર ભારત સુધી સીમિત નથી, પરંતુ દેશ-વિદેશમાં પણ ફેમસ થઈ ગઈ છે. આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલે 31 ઓગસ્ટના રોજ રિફંડપાત્ર ટેન્ડર ફીની ચુકવણી સામે ઉપલબ્ધ ટેન્ડર દસ્તાવેજ માટે ડોક્યુમેન્ટ જાહેર કર્યા હતા. 2022ની આઇપીએલ ટીમ ખરીદવામાં રસ ધરાવતા પક્ષોએ બીસીસીઆઇને ટેન્ડર ખરીદવાની તારીખ વધારવા વિનંતી કરી હતી. 10 ઓક્ટોબરના રોજ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઇપીએલ ટીમની ખરીદીમાં સામેલ રસ ધરાવતા પક્ષોએ બોર્ડને ટેન્ડર ખરીદવાની તારીખ વધારવા કહ્યું હતું.