રાજસ્થાનના ચૂરુમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જિલ્લાના સાલાસર પોલીસ સ્ટેશન હેઠળ આવતા કોલાસર ગામમાં બુધવારે બપોરે એક શિક્ષકે ધોરણ-7માં અભ્યાસ કરતા બાળકને એટલો બધો માર માર્યો, જેને લીધે તેનું મૃત્યુ થયું હતું. 13 વર્ષના બાળકનો વાંક એટલો જ હતો કે તે હોમવર્ક કરીને લાવ્યો ન હતો.
શિક્ષકે તેને જમીન પર પટકી-પટકીને લાત-મુક્કા વડે એટલો માર માર્યો કે તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. બાળક બેભાન થઈ ગયો. જ્યારે બાળક ભાનમાં ન આવ્યું તો આરોપી શિક્ષક તેને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તે મૃત્યુ પામ્યો હોવાનું જાહેર કર્યું હતું. બાળકના પિતાની ફરિયાદના આધારે આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. શિક્ષણમંત્રીએ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી શાળાની માન્યતા રદ કરવા અધિકારીને આદેશ કર્યો છે.
પિતાએ જણાવ્યું હતું કે બાળકનાં માથા, આંખ અને મોઢા પર ઈજાનાં નિશાન હતાં. પોલીસે જણાવ્યું હતું કે આ શાળા આરોપી શિક્ષકના પિતા બનવારી લાલની છે. મોડર્ન પબ્લિક સ્કૂલમાં બાળક પહેલા ધોરણથી અભ્યાસ કરતો હતો. પોલીસ અધિકારી સંદીપ વિશ્વનોઈએ જણાવ્યું હતું કે કોલાસર ગામના રહેવાસી 13 વર્ષનો ગણેશ ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. બુધવારે સવારે ગણેશ શાળાએ ગયો હતો, જ્યાં તે હોમવર્ક નહીં લાવ્યો હોવાથી મનોજ નામના શિક્ષકે તેને માર માર્યો હતો. શિક્ષક સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ સમક્ષ પિતા ઓમપ્રકાશે જણાવ્યું હતું કે આશરે સવાનવ વાગે શાળાના શિક્ષક મનોજનો ફોન આવ્યો હતો. શિક્ષક કહેતો હતો કે ગણેશ હોમવર્ક કરીને આવ્યો નથી. માર મારવાથી તે બેભાન થઈ ગયો છે. તેને લઈ શાળા જઈ રહ્યા છીએ. જ્યારે પિતા હોસ્પિટલ પહોંચ્યા એ અગાઉ જ ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કરી ચૂક્યા હતા. બાળકે 15 દિવસ અગાઉ જ પિતા સમક્ષ શિક્ષકની ફરિયાદ કરી હતી. બાળકે કહ્યું હતું કે શિક્ષક મનોજ કોઈ કારણ વગર મારઝૂડ કરે છે.