જામનગર જિલ્લાના જામજોધપુરમાં એક એડવોકેટના વિધવા પત્નીના ઘરમાં ઘુસી જઈ છેડતી કરી હડધૂત કર્યાનો મામલો સામે આવ્યો છે. પાડોશમાં જ રહેતા વિધવા મહિલાથી દસ વર્ષ નાના એવા શખ્સ સામે પોલીસે નિર્લજ્જ હુમલો તેમજ એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઇને જામજોધપુરમાં ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે, જામજોધપુરના એક એડવોકેટનું ત્રણ વર્ષ પહેલાં માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. જેમના વિધવા પત્ની 40 વર્ષની વયના છે અને તેઓ હાલ જામજોધપુરમાં રહે છે અને એક મહિલા મંડળના ગ્રુપ માં સામેલ છે. દરમિયાન તેઓના પાડોશમાં રહેતા ધવલ રમણિકભાઈ શીશાંગિયા (ઉ.વ.30) નામના શખ્સની બહેન પણ મહિલાના ગુ્રપમાં સામેલ હોવાથી પોતાની બહેનના મોબાઇલના ગ્રુપમાંથી પાડોશી વિધ્વા મહિલાનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. ત્યારપછી તે નંબરના વોટસએપના માધ્યમથી જુદા-જુદા મેસેજ કરતો હતો. દરમિયાન વિધવા મહિલાનો 20 વર્ષનો પુત્ર કે જે કોલેજમાં અભ્યાસ કરે છે. તેણે પોતાની માતાના મોબાઇલ ફોનમાં કેટલાંક અશ્વિલ મેસેજ વાંચી લીધા હોવાથી તેણે પોતે જ સાચી ચેટ કરીને ધવલ શિશાંગીયાને પોતાના ઘરમાં બોલાવી લીધો હતો.
દરમિયાન બે દિવસ પૂર્વે વિધવા મહિલા પોતાના ઘેર હતી તે સમયે પાડોશી ધવલ ધુસી આવ્યો હતો અને વિધવા મહિલાની છેડતીનો પ્રયાસ કર્યો હતો. આ સમયે તેના ઘરમાં હાજર રહેલા બન્ને પુત્રોએ ધવલને પકડી લીધો હતો. આ સમયે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતાં. આ બનાવના કારણે આજુ-બાજુમાં ભારે દેકારો થઈ ગયો હતો.
ત્યારબાદ સમગ્ર મામલો આખરે પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને વિધવા મહિલાની ફરિયાદના આધારે જામજોધપુર પોલીસે આરોપી ધવલ રમણિકલાલ શિશાંગીયા સામે છેડતી કરવા અંગેની કલમ 354 તેમજ હડધૂત કરવા અંગેની એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી જામનગર ગ્રામ્ય ડીવાયએસપી દ્વારા આરોપી ધવલની અટકાયત કરી લેવામાં આવી છે જેને અદાલત સમક્ષ રજૂ કરાતા જેલમાં મોકલી દેવાયો છે.
જામજોધપુરમાં વિધવાના ઘરમાં ઘૂસી છેડતી અને અપમાનિત કર્યાનો બનાવ
મહિલાની બાજુમાં રહેતા 10 વર્ષ નાના શખ્સ દ્વારા નિર્લજ્જ હુમલો : પોલીસ દ્વારા નિર્લજ્જ હુમલો અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો : શખ્સની ધરપકડ કરી અદાલતમાં રજૂ