ભારતના 11મા રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામની આજે જયંતિ છે. ડો. કલામનો જન્મ 15 ઓક્ટોબર, 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમ ખાતે એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. આખી દુનિયા તેમને તેમના નામથી ઓછું અને કામથી વધારે ઓળખે છે. દેશને આધુનિક સ્વદેશી મિસાઈલ બનાવવામાં સક્ષમ બનાવનારા, મિસાઈલમેનના નામથી ઓળખાતા ડો. કલામનું સંપૂર્ણ જીવન સાધારણ હોવા છતાં અસાધારણ હતું. આજે 15 ઓક્ટોબરના રોજ તેમના જન્મદિવસ પર આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે આ પૂર્વ રાષ્ટ્રપતિને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ડો. કલામ એક પ્રેરક વ્યક્તિત્વ હતા પરંતુ તેમનું સમગ્ર જીવન લોકો માટે એક મોટી પ્રેરણા સમાન છે. તેમણે બાળપણમાં પોતાના પરિવારની મદદ કરવા માટે સમાચાર પત્ર વેચવાનું કામ કર્યું હતું અને ત્યાંથી મિસાઈલમેન બનવાનું સપનું જોયું અને તેને પૂરૂ કર્યું. બાળપણમાં તેમનું સપનું પાયલોટ બનવાનું હતું પરંતુ તે સંભવ ન થઈ શકતા તેમણે વૈજ્ઞાનિક બનવાનું નક્કી કર્યું હતું. ભારત મિસાઈલ પ્રોગ્રામમાં અગ્રણી દેશોમાં સામેલ થયું તેના પાછળ તેમનું ખૂબ મોટું યોગદાન છે.