કોંગ્રેસે સ્ટર્લિંગ બાયોટેક ગ્રુપની કંપની સ્ટર્લિંગ ઑઈલ કોર્પોરેશન ઍન્ડ એનર્જી પ્રોડક્શન કંપની લિ. પાસેથી ક્રૂડતેલની આયાત ચાલુ રાખવાના મુદ્દે આક્ષેપ કર્યો છે કે સ2કા2 આર્થિક ગુનેગારોને સુરક્ષિત દેશની બહાર જવા દેવા ઉપરાંત તેમની સાથે બિઝનેસ પણ કરે છે.
સપ્ટેમ્બર 2020માં સ્પેશિયલ કોર્ટે સ્ટર્લિંગ બાયોટેક ગ્રુપના પ્રમોટર્સ નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાને રૂા.15,000 કરોડ બેન્ક લોન કૌભાંડમાં આર્થિક ગુનેગાર જાહેર કર્યા હતા. દિલ્હીમાં પત્રકારોને સંબોધતાં કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું કે ભારતીય નાગરિકો પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસના વધતા ભાવથી પિડાઈ રહ્યા છે જ્યારે આર્થિક ભાગેડુઓ સમૃદ્ધ બન્યા છે. આમ ફક્ત ડિફોલ્ટર્સ અને ભાગેડુઓ માટે ખરો ‘વિકાસ’ અને ‘અચ્છે દિન’ આવી ગયા છે.
એક જનહિત અરજીને સામે રાખીને વલ્લભે આક્ષેપ કર્યો હતો કે બ્લેક લિસ્ટેડ કંપનીઓ અને કૌભાંડી ભાગેડુઓને કાયદા હેઠળ લાવવાને બદલે સરકાર તેમની પાસેથી ક્રૂડ ખરીદી રહી છે. તેમની અસ્ક્યામતોને ટાંચ મારવાને બદલે પેટ્રોલિયમ પ્રધાન બેશરમીથી સાંડેસરાઓ સાથે વેપાર કરી રહ્યા છે.