ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે રાજસ્થાન રાજ્ય સરકારમાં આરોગ્ય મંત્રી પદે રહેલા ડો.રઘુ શર્માની ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસનાં નવા પ્રભારી તરીકેનું પદ સંભાળતા જ રઘુ શર્મા ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતાં. ડો.શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસમાં પણ આવનારા સમયમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળશે. ગુજરાત કોંગ્રેસનો ભલે ચૂંટણીમાં પરાજય થયો પણ કોંગ્રેસ ફરીથી બેઠી થઈ શકે છે અને થશે. તેમ કોંગ્રેસ વર્ષ 2022માં સત્તા બનાવશે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, અત્યારે દરેક કાર્યકર્તા કામે લાગી ગયો છે.
ડો.શર્માએ એમ પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતાના રાજીનામાનો સ્વિકાર કરી લેવામાં આવ્યો છે. મારી જવાબદારી નવું સંગઠન બનાવવાની છે. વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ થોડા અંકથી પાછળ રહી ગઈ હતી. કોંગ્રેસ નવી ટીમ અને નવા સંગઠન સાથે મેદાનમાં ઉતરશે. ટૂંક સમયમાં નવા સંગઠનની નિમણૂંક કરી દેવાશે. બેરોજગારી, ભ્રષ્ટાચાર અને કોરોનાનો મુદ્દો આ વખતને ચૂંટણીમાં મુખ્ય રહેશે.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સોનીયા ગાંધીએ ખુબ વિચારણાના અંતે રાજસ્થાન કોંગ્રેસના યોધ્ધા એવા ડો. રઘુ શર્માને ગુજરાતમાં કોંગ્રેસનું માળખું ગોઠવવા મોકલ્યા છે અને ડોક્ટર ગુજરાત કોંગ્રેસના પ્રશ્નોથી અને નેતાઓથી સુમાહિતગાર હોય તેવું લાગે છે.
જો કે દિલ્હીથી તેઓને સોંપાયેલા મિશન વિશે તેઓએ વધુ પ્રકાશ ના પાડયો પણ એવું લાગે છે કે હાલમાં જે પ્રશ્નો ઘણાં સમયથી ઉકેલાયા વિના પડયા છે તેને હાથમાં લઇ એક પછી એકનું નિરાકરણ કરવાના મૂડમાં છે તેવું લાગે છે.
મારે સૌથી પ્રથમ કોંગ્રેસને મજબૂત અને સંગઠિત બનાવવાની છે અને તે માટેની રણનીતિ માટે નેતાઓ અને સીનીયર કાર્યકર્તાઓ સાથે બેસવું પડશે. મારી પ્રાથમિકતાઓનો મેં આવ્યા પહેલા જ વરિષ્ઠ કોંગ્રેસની નેતાઓ સાથે અભ્યાસ કરી લીધો છે હમણાં મારે રાજસ્થાન જવાની ઉતાવળ નથી મને મારા મિશનની જ ચિંતા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસના નેતા પણ નવા બનાવવાના છે. ડો. રઘુ શર્મા છેલ્લા 15 થી 20 વર્ષમાં એઆઇસીસી પ્રતિનિધિ તરીકે અનેક વાર ગુજરાતની મુલાકાત લઇ ચુકયા છે. જ્યારે રાજસ્થાન પાડોશી રાજ્ય હોઇ ઘણું હું જાણું છું.
તેઓને દિલ્હી અને જયપુરથી ઘણું બધું બ્રિફીંગ કરાયેલું છે અને તેઓ બે દિવસની મુલાકાત બાદ અનેકવાર ગુજરાત આવી પાર્ટીમાં પડેલા કોયડાઓ, નેતાઓના મતભેદો દુર કરવા માંગે છે. વાતચીતમાં પડેલી ઇમ્પ્રેશનથી એવું લાગે છે કે તેઓ ભાજપને ટક્કર આપવા માંગે છે. તેઓ પત્રકારો સાથે પણ ખુબ ફ્રેન્ડલી છે અને તેઓ પાસેથી માહિતી શેર કરીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.
ડો. શર્મા આગામી દિવસોમાં ગુજરાતનો વિસ્તૃત પ્રવાસ કરી કોંગ્રેસ જે એક સમયે ગુજરાતમાં રાજ કરતી હતી તે કેમ નબળી પડી ગઇ અને હવે તેનું ભવિષ્ય શું છે ? ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ડો. રઘુ શર્મા આવ્યા બાદ ગુસપુસમાં પડી ગયા છે કારણ કે અનેક ઓબ્ઝર્વરો આવી ને ગયા નેતાઓના એકબીજા માટેના મંતવ્યો અને ચડસાચડસીમાં કોઇ ફર્ક પડયો નથી.
‘સુનની સબકી કરની મન કી’ નક્કી કરીને જ ડો. રઘુ શર્મા આવ્યા છે અને બધાની વાતો હાલમાં તો સાંભળી રહ્યા છે. પત્રકારો સાથે આટલા મુકત મને મળનારા ડો. શર્મા આગળની રણનીતિ કદાચ સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીને મળી નક્કી કરશે.
તેઓ રોજે રોજની કોંગ્રેસના નેતાઓની પોતાની સાથે થતી વાતચીતો પર નોંધ બનાવી એઆઇસીસીને પહોંચાડી રહ્યા છે. ડો. શર્માની મુલાકાત લેનારા એક વરિષ્ઠ નેતાએ તો તેઓને જણાવી દીધું હતું કે હાલમાં જો વિધાનસભાની ચૂંટણી થાય તો કોંગ્રેસનો ગાંધીનગર મ્યુનિ. ચૂંટણીમાં જેવો મોટો ધબડકો થાય અને ગઇ વિધાનસભાની ચૂંટણી જેટલી બેઠકો પણ ના મળે ? આવી તો અનેક રજૂઆતો પ્રથમ વાર આ ઓબ્ઝર્વરને મળી રહી છે.