કોરોના મહામારીને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે બે વર્ષમાં રૂા. 1106 કરોડ જેટલી રકમની માંગણી કરી હતી. જેની સામે કેન્દ્ર સરકારે ગુજરાતને માત્રરૂા. 304 કરોડની રકમ આપી હતી, ગુજરાતની માંગણી સામે કેન્દ્ર સરકારે રૂા.802 કરોડની ઓછી ફાળવણી કરી છે, આમ કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં ગુજરાતને અન્યાયનો સિલસિલો હજુય યથાવત્ છે.
ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે વર્ષ 2020-21માં 309 કરોડની માંગણી કરી હતી, જેની સામે કેન્દ્ર સરકારે 304 કરોડ પૂરા પાડયા હતા. એ પછી વર્ષ 2021-22માં 796 કરોડની રકમની માંગણી કરવામાં આવી હતી.
પરંતુ જૂન 2021ની સ્થિતિના અંતે કોઇ જ રકમ કેન્દ્ર સરકારે ફાળવી નથી. આમ ગુજરાત સાથે કેન્દ્ર તરફથી હજુય અન્યાય થઇ રહ્યો હોવાની સ્થિતિ છે. કેન્દ્રે જે રકમ મોકલી હતી તે તમામ વપરાઇ ગઇ છે. કેન્દ્ર જે કરોડ આપ્યા હતા. તેમાંથી નિદાન પાછળ, 1,412 લાખ, પીપીઇ કિટ, માસ્ક અને દવાઓ પાછળ, 8,141 લાખ, દર્દીઓ માટે વેન્ટિલેટર સહિતના સપોર્ટ સાધનો વગેરે પાછળ 6,835 લાખ, માનવ સંસાધન પાછળ 5,814 લાખની રકમ વાપરવામાં આવી છે. તાલીમ પાછળ 14 લાખથી વધુની રકમ વાપરવામાં આવી છે. જિલ્લાઓને માગણી મુજબ 1,106 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી.