ચીન સહિતના દેશો એક બાજુ બિટકોઈન સહિતનાં આભાસી ચલણો પર અલગ અલગ પ્રકારના પ્રતિબંધો લાદી રહ્યાં છે તો બીજી તરફ એવા પણ દેશો જ્યાં ક્રિપ્ટો કરન્સીને પ્રોત્સાહન પણ મળી રહ્યું છે. વાત દુબઈની છે, જ્યાં આ મહિને દુનિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો ક્રિપ્ટો કરન્સી એક્સપો યોજાવા જઈ રહ્યો છે. 13 અને 14 ઓક્ટોબર, 2021ના રોજ યોજાનારા આ એક્સપોમાં દુનિયાભરમાંથી 3000 જેટલા ડેલિગેટ્સ ભાગ લેશે. સીઇડી2021: ક્રિપ્ટો ઇએકસપીઓ દુબઇ નામની આ ઈવેન્ટનો હેતુ મધ્ય પૂર્વ અને આફ્રિકી દેશોમાં ક્રિપ્ટો કરન્સીના વિકાસને લઈને ચર્ચા કરવાનો છે. એક રિસર્ચ રિપોર્ટ પરથી ખ્યાલ આવે છે કે જુલાઈ 2020થી લઈને જૂન 2021 સુધીના સમયગાળામાં આફ્રિકાના ક્રિપ્ટો કરન્સી બજારમાં 1200 ટકાની વૃદ્ધિ જોવા મળી છે, જેણે તેને 106 બિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવી દીધું છે. મધ્ય પૂર્વમાં તુર્કી, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાતે પણ પોતાના ક્રિપ્ટો સ્પેસને મોકળું મેદાન આપવા પ્રયત્નો શરૃ કર્યા છે. આ એક્સપોના આયોજકોની કમિટીએ આભાસી ચલણ સાથે પ્રયોગ કરવા મામલે દુબઈને પ્રગતિશીલ ગણાવતા જણાવ્યું હતું કે આ ઈવેન્ટ સ્થાનિક અને વૈશ્વિક એમ બંને સ્તરે ક્રિપ્ટો કરન્સીમાં વેલ્યૂ એડ કરશે. ઓફિશિયલ એક્સપો વેબસાઈટના જણાવ્યા પ્રમાણે ઝેબપે, કોઇનસ્વેપ, પલ્લાપે અને ક્રિપ્ટો બિઝ જેવી ક્રિપ્ટો કરન્સી કંપનીઓએ આ મેગા ઈવેન્ટમાં રોકાણ કર્યું છે. આ સિવાય આ ક્ષેત્રની 40થી વધુ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો અહીં ક્રિપ્ટો કરન્સી અને બ્લોકચેન ટેક્નિક વિશે ચર્ચા, સેમિનાર કરશે અને લોકોના સવાલોના જવાબ પણ આપશે.
આ ઈવેન્ટના ફોકસ પોઈન્ટમાં ડેફી ટેક્નોલોજી/, ક્રિપ્ટો કરન્સીનું ભવિષ્ય અને ડિજિટલ આર્ટવર્કની ચર્ચા સામેલ હશે. તેને એનએફટી નોન ફંગીબલ ટોકન(બદલી ન શકાય તેવું ટોકન) પણ કહે છે. એક્સપોમાં ભાગ લેનારી અંદાજે 30 ક્રિપ્ટો કંપનીઓ આગામી સમયમાં અમુક જાહેરાતો કરવા માટે દુબઈની કોનરાડ હોટલનો ઉપયોગ કરશે. જોકે દુબઈ એકમાત્ર એવો દેશ નથી જે ક્રિપ્ટો કરન્સીને લઈને આ રીતે મોટાપાયે આયોજનો કરવા લાગ્યો હોય. પણ આ પ્રકારની ઈવેન્ટ એ ચોક્કસ જણાવે છે કે ક્રિપ્ટો કરન્સીને દુનિયાના દેશો હવે ગંભીરતાથી લઈ રહ્યાં છે, અને તેના નિયમન અને વેપાર વિકાસને લઈને નિયમો કાયદા બનાવવાની દિશામાં આગળ વધી રહ્યાં છે.