ઉત્તરપ્રદેશનાં લખીમપુર ખીરી જિલ્લામાં ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાની ખિલાફ કિસાનોનું વિરોધ પ્રદર્શન હિંસક અથડામણમાં પલટાઈ ગયું હતું અને આ ઘર્ષણમાં કુલ 8 વ્યક્તિનાં મૃત્યુ નિપજ્યા હોવાનું અનધિકૃત અહેવાલોમાં જાણવા મળે છે. કેન્દ્રીય મંત્રીનાં કાફલામાં તેમનાં પુત્રની મોટરકારે બેથી ત્રણ કિસાનોને કચડી નાખ્યા બાદ ખેડૂતો વિફર્યા હતાં અને જોતજોતામાં જ તોફાન શરૂ થઈ ગયું હતું. આ હિંસામાં મંત્રીનાં કાફલાની મોટરકારો પણ સળગાવી નાખવામાં આવી હતી. મૃતકોમાં 4 કિસાનો અને 4 કાફલાનાં વાહનોમાં સવાર લોકોનો સમાવેશ થતો હોવાનું પ્રાથમિક રૂપે જાણવા મળે છે. લોહિયાળ બનેલા લખીમપુરનાં વિરોધ પ્રદર્શન પછી વિપક્ષી નેતાઓએ ભાજપ ઉપર આક્રમણ ચલાવતા ઉગ્ર નિવેદનબાજી શરૂ કરી હતી અને સંખ્યાબંધ નેતાઓએ લખીમપુરની મુલાકાતનું આયોજન પણ કરી નાખ્યું છે. બબાલના પગલે સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પણ અટકાવી દેવામાં આવી હતી.આ ઘટના બાદ ખેડૂતોને મળવા માટે જઇ રહેલાં પ્રિયંકા વાડરાની પોલીસે અટકાયત કરી લીધી હતી અને તેઓને કસ્ટડીમાં રાખ્યા હતાં. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ પણ લખીમપુર જતાં હતાં ત્યારે તેઓને અટકાવવામાં આવ્યા હતાં. દેશમાં મહિનાઓથી આંદોલન ચલાવી રહેલાં ખેડૂતોના નેતા રાકેશ ટિકૈત લખીમપુર જવા રવાના થઇ ચૂકયા હોવાનું સુત્ર જણાવે છે.
જાણકારી અનુસાર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય એક કાર્યક્રમ માટે લખીમપુર ખીરી આવ્યા હતા. આ વાતની જાણકારી કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનોને થતાં તેઓ હેલિપેડ પર પહોંચી ગયા હતા અને કબજો કરી લીધો હતો. મિશ્રા અને મૌર્યનો કાફલો જ્યારે સડક માર્ગે આવી રહ્યો હતો ત્યારે કિસાનોએ કાળા ઝંડા દેખાડી વિરોધ કર્યો હતો. આ દરમ્યાન કાફલામાં રહેલા મિશ્રાના પુત્ર અભિષેકે પોતાની ગાડી કિસાનો પર ચડાવી દેતાં અફરાતફરી મચી હતી. આ ઘટનાથી કિસાનોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો અને તેમણે બે ગાડીમાં આગ ચાંપી હતી. મંત્રીના પુત્રની ગાડીને રોકવાના પ્રયાસમાં એક મહિલા સિપાહી સહિત બે પોલીસકર્મીને ઈજા પણ પહોંચી હતી.
કિસાન સંગઠનો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ અથડામણમાં આઠ કિસાન ઘવાયા હતાં અને એકની ગોળી મારીને હત્યા પણ થઈ છે. આ ગોળીબાર મંત્રીના પુત્રએ જ કર્યો હોવાનો આક્ષેપ પણ થયો છે. બીજીબાજુ ભારતીય કિસાન સંગઠનનાં નેતા રાકેશ ટિકૈતે પણ આ ઘટનામાં 4 કિસાનોનાં મૃત્યુ થયા હોવાનો દાવો કર્યો હતો. ટિકૈતે આ ઘટનાને પગલે લખીમપુરનો તાબડતોબ પ્રવાસ પણ ગોઠવી નાખ્યો હતો. તો બીજીબાજુ કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી અને સપાનાં નેતા અખિલેશ યાદવે પણ ખેડૂતોનાં સમર્થનમાં લખીમપુરની મુલાકાત લેવાની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કિસાનોના બલીદાનને વ્યર્થ જવા દેવાશે નહી. જો આ અમાનવીય નરસંહારને જોઈને પણ ચુપ છે તે પહેલા જ મરી ચૂક્યા છે. આ મામલે યુપીના પૂર્વ સીએમ અને સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું હતું કે કૃષિ કાયદા સામે શાંતિપુર્ણ રીતે વિરોધ કરી રહેલા કિસાનોને ભાજપ સરકારના ગૃહરાજ્યમંત્રીના પુત્રની ગાડીની કચડવા એ અમાનવીય અને ક્રૂર કૃત્ય છે. જયંત ચૌધરીએ આ ઘટનાને કાળુ કૃત્ય ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ગૃહમંત્રી સાજીશ રચી રહ્યા હોય તો કોણ’ સુરક્ષિત રહેશે. અન્ય વિપક્ષી નેતાઓએ પણ ઘટના બાદ ભાજપ ઉપર નિશાન તાક્યું હતું અને ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આમ લખીમપુર હવે રાજકારણનો નવો અખાડો બનવાનું સુનિશ્ચિત થઈ ગયું છે.
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત મિશ્રા ટેનીએ કહ્યું હતું કે, કિસાનોના ટોળાએ પથ્થર વડે કાફલા ઉપર હુમલો કર્યો હતો. તેમાં તેના ડ્રાઈવરનું મૃત્યુ થયું છે. આંદોલનકારીઓએ લાકડી અને તલવાર વડે કરેલા હુમલામાં ત્રણ કાર્યકર્તાઓએ જીવ ગુમાવ્યો છે. વધુમાં એમ પણ કહ્યું હતું કે, મારો પુત્ર સ્થળ ઉપર હાજર નહોતો બાકી તેની પણ હત્યા કરી દેવામાં આવી હોત. આ સાથે કિસાનો વચ્ચે ઉપદ્રવીઓ છુપાયેલા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.’