ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલી દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ જેટીની સર્કલ ઓફિસ ખાતે નોકરી કરતી એક યુવતી દ્વારા તેમની સાથે કામ કરતા મૂળ બિહાર રાજ્યના છપરા જિલ્લાના ઈસરોલી તાલુકાના રહીશ અને હાલ જામનગરની પંચવટી સોસાયટીમાં રહેતા મિથીલેશ શ્યામકુમાર પાંડે નામના 44 વર્ષના સિનિયર ક્લાર્ક સામે વાડીનાર મરીન પોલીસ મથકમાં વિવિધ પ્રકારે હેરાન પરેશાન કરવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ યુવતી દ્વારા પોલીસમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ તેણીની સાથે એક જ ઓફિસમાં કામ કરતાં સહકર્મચારી મિથીલેશ પાંડે દ્વારા છેલ્લા એકાદ વર્ષથી તેણીને કામગીરીના બહાને માનસિક રીતે હેરાન- પરેશાન કરી અને તેણી જ્યાં કામ કરતી હોય, તે કોમ્પ્યુટરના વાયરીંગ સરખા કરવાના બહાને તેની પાસે જઈને તેની સામે ખરાબ નજરે જોવા ઉપરાંત પગ પર ખરાબ રીતે સ્પર્શ કરી, તેની પાછળ પાછળ જઈ અને ખરાબ હરકત કરવા અંગે જો કે આ વાત કોઈને કહેતો જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત વેશ્યા કહી અને તેને સમાજમાં બદનામ કરવાની ધમકી પણ આપી હોવાનું જાહેર થયું છે.
એટલું જ નહીં, આરોપી શખ્સ દ્વારા ગત તા. 21 મી ના રોજ તેની ઓફીસના હાજરીપત્રકમાં ટીકાસ્પદ લખાણ કરી અને નીચે આરોપીએ પોતાની સહી કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે વાડીનાર મરીન પોલીસે યુવતીની ફરિયાદ પરથી આઈ.પી.સી. એક્ટ કલમ 354 એ (1) વિગેરે ઉપરાંત 501, 506 (2) તથા 509 મુજબ ગુનો નોંધી આગળની તપાસ સ્થાનિક પી.એસ.આઈ. પી. ડી. વાંદા દ્વારા હાથ ધરવામાં આવી છે.